)
India vs South Africa 1st Test : દક્ષિણ આફ્રિકા સામે 14 નવેમ્બરથી કોલકાતા ખાતે પ્રથમ ટેસ્ટ રમાશે. આ મેચ પહેલા ભારતના કેપ્ટન શુભમન ગિલે પ્લેઇંગ ઇલેવનની પસંદગી અંગે મોટું નિવેદન આપ્યું છે. ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર એમ ત્રણ ઓલરાઉન્ડર છે, જ્યારે નીતિશ રેડ્ડી પ્રથમ ટેસ્ટમાંથી બહાર છે. નીતિશ રેડ્ડી બીજી ટેસ્ટ પહેલા ટીમમાં જોડાશે.
પ્રથમ ટેસ્ટમાં કોને તક મળશે ?
ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ઓલરાઉન્ડરોની પસંદગી અંગે શુભમન ગિલે કહ્યું, "ટીમ પાસે હાલમાં ઘણા બેસ્ટ ઓલરાઉન્ડર છે, જે અમારા માટે સારી વાત છે." આ બધાનો બેટિંગ અને બોલિંગ રેકોર્ડ મજબૂત છે. ભારતીય પરિસ્થિતિઓમાં તેમનો રેકોર્ડ વધુ સારો છે. આના કારણે મેચ પહેલા ટીમની પ્લેઇંગ ઇલેવન પસંદ કરતી વખતે કોને બહાર કરવો તે પસંદ કરવું મુશ્કેલ બને છે. જો કે, આ એક સારી સમસ્યા છે.
મેચના એક દિવસ પહેલા કેપ્ટન ગિલનું નિવેદન
દક્ષિણ આફ્રિકાની ટીમ અંગે ભારતીય કેપ્ટને કહ્યું, "તેઓ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તેઓએ છેલ્લી શ્રેણી ડ્રો કરી હતી. તેથી આગામી શ્રેણી સ્પર્ધાત્મક અને રોમાંચક રહેવાની અપેક્ષા છે." શુભમન ગિલ કેપ્ટનશીપ સંભાળ્યા પછી જ શાનદાર ફોર્મમાં છે. તે 2025માં ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ઇંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 754 રન બનાવનાર ગિલે આ વર્ષે રમાયેલી આઠ ટેસ્ટ મેચોમાં 15 ઇનિંગ્સમાં 979 રન બનાવ્યા છે. 21 રન બનાવીને તે એક કેલેન્ડર વર્ષમાં 1,000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બનશે. આ પહેલી વાર હશે જ્યારે ગિલે એક કેલેન્ડર વર્ષમાં 1,000 રન બનાવ્યા હશે.
શુભમન ગિલ ઇડન ગાર્ડન્સ ખાતે પોતાની પહેલી ટેસ્ટ રમશે
પ્રેસ કોન્ફરન્સમાં શુભમન ગિલે કહ્યું, "ઇડન ગાર્ડન્સ મારા માટે ખાસ રહ્યું છે." ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમને પોતાના માટે ખૂબ જ ખાસ ગણાવતા શુભમન ગિલે કહ્યું, "મારી આઈપીએલ કારકિર્દી આ મેદાનથી શરૂ થઈ હતી અને જ્યારે પણ હું અહીં આવું છું, ત્યારે મને એવું લાગે છે કે હું પંજાબના પીસીએ સ્ટેડિયમમાં રમી રહ્યો છું. અહીં છેલ્લી ટેસ્ટ 2019માં રમાઈ હતી, હું તે સમયે ટીમમાં હતો, પરંતુ પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો. તેથી ઈડન ગાર્ડન્સ ખાતે આ મારી પહેલી ટેસ્ટ હશે. અહીં મારા દેશનું નેતૃત્વ કરવું એ સન્માનની વાત છે."