)
T20 World Cup 2026 : ભારતના વિસ્ફોટક બેટ્સમેન તિલક વર્મા ઈજાગ્રસ્ત થયો છે, જેના કારણે ICC T20 વર્લ્ડ કપ 2026 અને ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં તેના રમવા અંગે શંકા ઉભી થઈ છે. વિજય હજારે ટ્રોફીની અંતિમ લીગ સ્ટેજ મેચના એક દિવસ પહેલા 7 જાન્યુઆરીએ રાજકોટમાં બ્રેકફાસ્ટ પછી વર્માને પેટમાં દુખાવાની સમસ્યા થઈ હતી. જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને સર્જરીની સલાહ આપવામાં આવી હતી. જો વર્માની સર્જરી થાય છે, તો તે વર્લ્ડ કપની કેટલીક અથવા બધી મેચો ગુમાવી શકે છે.
CoEને મોકલવામાં આવ્યો રિપોર્ટ
સૂત્રોના જણાવ્યા અનુસાર, "7 જાન્યુઆરીના રોજ તિલકને પેટમાં ભારે દુખાવો થયો હતો. જે બાદ તેને રાજકોટની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં અનેક સ્કેન કરવામાં આવ્યા હતા અને રિપોર્ટ બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સના ડોકટરોને મોકલવામાં આવ્યા હતા. તિલક વર્મા હાલમાં શાનદાર ફોર્મમાં છે. જો તે કોઈ કારણોસર T20 વર્લ્ડ કપમાં રમી શકતો નથી, તો તે નિરાશાજનક સમાચાર હશે.
તિલકનું રિપ્લેસમેન્ટ કોણ ?
જો તિલક વર્મા ICC T20 વર્લ્ડ કપ 2026માં રમી શકશે નહીં, તો શુભમન ગિલને તેની જગ્યાએ ટીમમાં સામેલ કરી શકાય છે. જોકે છેલ્લા એક વર્ષથી ટૂંકા ફોર્મેટમાં તેનું ફોર્મ નબળું રહ્યું છે, તેનો અનુભવ ટીમ ઈન્ડિયા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. જોકે, પસંદગીકારો પરિસ્થિતિના આધારે આ અંગે નિર્ણય લેશે.
ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, રિંકુ સિંહ.