)
Smriti Mandhana Record: ભારત અને શ્રીલંકા વચ્ચેની 5 મેચોની T20 સિરીઝની ચોથી મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરી છે. સિરીઝની શરૂઆતની ત્રણ મેચોમાં બેટથી ખાસ પ્રદર્શન ન કરી શકનાર ભારતીય ટીમની સ્ટાર ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ ચોથી મેચમાં શાનદાર વાપસી કરી છે. તેમણે ચોથી મેચમાં પોતાના કરિયરની એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે, આ સાથે જ સ્મૃતિએ એક એવા સ્પેશિયલ ક્લબમાં સામેલ થઈ ગઈ છે, જેમાં અત્યાર સુધી દુનિયાની માત્ર ત્રણ મહિલા ખેલાડીઓ જ સ્થાન મેળવી શકી હતી.
સ્મૃતિ મંધાનાએ ઈન્ટરનેશન ક્રિકેટમાં પૂરા કર્યા પોતાના 10,000 રન
મહિલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સ્મૃતિ મંધાનાની ગણતરી બેસ્ટ ઓપનિંગ બેટ્સમેનોમાં થાય છે. તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં (Test, ODI, T20) પોતાની બેટિંગનો જાદુ વિખેર્યો છે. સ્મૃતિ મંધાનાએ શ્રીલંકા સામેની ચોથી T20 મેચમાં 27 રન પૂરા કર્યાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મળીને પોતાના 10,000 રન પૂર્ણ કરી લીધા છે. મંધાનાએ માત્ર 281 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી.
આ સાથે જ સ્મૃતિ મંધાના મહિલા ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનારી ચોથી ખેલાડી બની ગઈ છે અને આ સિદ્ધિ મેળવનારી બીજી ભારતીય ખેલાડી બની છે. તેના પહેલા આ સિદ્ધિ મિતાલી રાજ, સુઝી બેટ્સ અને ચાર્લોટ એડવર્ડ્સે પ્રાપ્ત કરી હતી.
સૌથી ઓછી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી
સ્મૃતિ મંધાનાના નામે સૌથી ઓછી ઇનિંગ્સમાં 10,000 રન પૂરા કરવાનો રેકોર્ડ છે. તેણીએ 281 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. મિતાલી 291 ઇનિંગ્સ સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. ચાર્લોટ અને સુઝીએ અનુક્રમે 308 અને 314 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
મહિલા ઈન્ટરનેશન ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ
મિતાલી રાજ (ભારત) - 10,868
સૂઝી બેટ્સ (ન્યુઝીલેન્ડ) - 10,652
શાર્લોટ એડવર્ડ્સ (ઇંગ્લેન્ડ) - 10,273
સ્મૃતિ મંધાના (ભારત) - 10,030*
સ્ટેફની ટેલર (વેસ્ટ ઈન્ડિઝ) - 9,301
અત્યાર સુધી આવું રહ્યું છે સ્મૃતિનું પ્રદર્શન
ઈન્ટરનેશન ક્રિકેટમાં સ્મૃતિ મંધાનાનું પ્રદર્શન એવું રહ્યું છે કે, તેણે 117 વનડેમાં 48.38ની સરેરાશથી 5,322 રન બનાવ્યા છે, જ્યારે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેણે 157 મેચોમાં 29.87ની સરેરાશથી 4,050થી વધુ રન બનાવ્યા છે. મંધાનાએ સાત ટેસ્ટ મેચ પણ રમી છે, જેમાં 57.18 ની સરેરાશથી 629 રન બનાવ્યા છે. સ્મૃતિ મંધાના હાલમાં T20 ઈન્ટરનેશન મેચોમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે છે.