વિરુ કેમ થયો સફળ, ગાંગુલીએ ખોલ્યું રહસ્ય

Updated By: Mar 4, 2018, 07:59 PM IST
વિરુ કેમ થયો સફળ, ગાંગુલીએ ખોલ્યું રહસ્ય

 

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, વિરેન્દ્ર સહેવાગ જો ઓપનિંગ બેટ્સમેન તરીકે બેટિંગ ન કરત તો તે ઘાતક સાબિત ન થાત. એક કાર્યક્રમમાં સૌરવ ગાંગુલી પોતાના નવા પુસ્તક એક શતક કાપી નહીં વિશે વાત કરતા હતા. આ દરમિયાન તે પોતાના કેપ્ટનશિપના દિવસોના અનુભવ શેર કરી રહ્યો હતો, જેમાં તેમણે કહ્યું કે એક ક્રિકેટરે રિસ્ક લેવાથી પાછળ ન હોવું જોઈએ. ઘણીવાર તેમણે ન ગમતા નિર્ણય પણ સફળ થાય છે. ગાંગુલીએ કહ્યું કે, મેં મારી આગેવાનીમાં એક આવો જ નિર્ણય લીધો હતો જે હિટ રહ્યો હતો. 

તેમણે કહ્યું કે, વિરેન્દ્ર સહેવાગ ટીમમાં ચોથા નંબરે બેટિંગ કરતો હતો, પરંતુ મેં તેને 2002માં શ્રીલંકા વિરુદ્ધ મેચમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉતાર્યો હતો. ત્યારબાદ તેણે પાછળ વાળીને જોયું નથી અને તે ઓપનિંગ બેટ્સમેન તરીકે સફળ થયો હતો. ગાંગુલીએ ત્યાં સુધી કહ્યું કે જો સહેવાગ ઓપનિંગ ન કરત તો તે આટલો ઘાતક સાબિન ન થાત. 

ગાંગુલીએ જણાવ્યું કે, તેના  મનમાં સહેવાગને ઓપનિંગ બેટ્સમેનનો ખ્યાલ ઓસ્ટ્રેલિયા ક્રિકેટર મેથ્યૂ હેડન અને જસ્ટિન લેંગરને જોઈને આવ્યો હતો. આ બંન્ને ઓપનિંગ કરતા તો ઝડપી રન બનાવતા હતા. ત્યારે મેં સહેવાગને ઓપનિંગમાં લઈને પ્રયોગ કર્યો જે સફળ રહ્યો હતો. 

વિરેન્દ્ર સહેવાગે 104 ટેસ્ટ મેચોમાં ઓપનિંગ તરીકે બે વાર 300નો આંકડો પાર કર્યો છે. આ સાથે 49ની એવરેજથી 8586 રન બનાવ્યા છે. 251 વનડે મેચમાં 35થી વધુ એવરેજથી 8273 રન બનાવ્યા છે. વનડેમાં સહેવાગની સ્ટ્રાઇક રેટ 104.33 અને ટેસ્ટમાં 82.23 છે. ઘણીવાર સહેવાગ કહી ચુક્યો છે કે તેની સફળતામાં ગાંગુલીનો મોટો હાથ છે.