કોમનવેલ્થ અને એશિયાડમાં રેકોર્ડ બનાવનાર મનિકા બત્રાનો નેશનલ ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં પરાજય
મનિકા બત્રાને નેશનલ રેન્કિંગ (સાઉથ ઝોન) ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેને 18 વર્ષની અનન્યા બસકે પરાજય આપ્યો હતો.
વિજયવાડાઃ ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાને નેશનલ રેન્કિંગ (સાઉથ ઝોન) ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં મોટો ઝટકો લાગ્યો છે. જીતની સૌથી પ્રબળ દાવેદાર મનિકા ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં હારી ગઈ હતી. 22 વર્ષની મનિકાએ મહિલા સિંગલ્સનો આ મેચ 40 મિનિટમાં ગુમાવી દીધો હતો.
18 વર્ષની અનન્યા બસકે મહિલા સિંગલ્સના પ્રથમ રાઉન્ડના મેચમાં મનિકાને 11-4, 5-11, 11-9, 12-10, 11-8થી હરાવીને અપટેસ સર્જયો હતો. મનિકા સિવાય પાંચમા ક્રમાંકિત ક્રિતવિકા સિન્હા રોય, સાતમા ક્રમાકિંત અયહિકા મુખર્જી અને આઠમાં સ્થાને રહેલી મધુરિકા પાટકરનો પણ પરાજય થતા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. તમિલનાડુની શનમથી સાથિયાગે ક્રિતવિકાને 6-11, 11-7, 11-8, 11-8, 11-8ને પરાજય આપ્યો. કેનરા બેન્કની મારિયા રોનીએ અયહિકાને 12-10, 11-6, 11-9, 11-8ને પરાજય આપ્યો હતો. પશ્ચિમ બંગાળની સુરભિ પટવારીએ મધુરિકાને 11-7, 11-7, 11-9, 8-11, 11-9 પરાજય આપી ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધી હતી.
CWGમાં જીત્યો હતો ગોલ્ડ મેડલ
મનિકાએ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસની જુદી-જુદી ઈવેન્ટમાં ચાર મેડલ જીત્યા હતા. તે કોમનવેલ્થ ગેમ્સમાં આમ કનારી પ્રથમ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી છે. મનિકાએ મહિલા સિંગલ્સ અને ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. આ સિવાય મહિલા ડબલ્સ મેચમાં સિલ્વર અને મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
એશિયાડમાં પણ જીત્યો હતો મેડલ
મનિકાએ હાલમાં ઈન્ડોનેશિયામાં સમાપ્ત થયેલી એશિયન ગેમ્સમાં પણ મેડલ જીત્યો હતો. મનિકા અને અચંતા શરથ કમલની જોડીએ મિક્સ્ડ ડબલ્સમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. આ એશિયન ગેમ્સમાં આ ઈવેન્ટમાં ભારતનો પ્રથમ મેડલ હતો.