)
IND vs AUS 3rd T20 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ 2 નવેમ્બર, રવિવારના રોજ હોબાર્ટના બેલેરાઇવ ઓવલ ખાતે રમાઈ હતી. ભારતે પાંચ વિકેટે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતે 18.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આ મેદાન પર T20 આંતરરાષ્ટ્રીય મેચમાં કોઈપણ ટીમ દ્વારા આ સૌથી વધુ સફળ રન ચેઝ હતો. આ જીત સાથે ભારતે શ્રેણી 1-1થી બરાબર કરી.
શ્રેણીની ચોથી મેચ 6 નવેમ્બરના રોજ ગોલ્ડ કોસ્ટમાં રમાશે. રન ચેઝમાં ભારત માટે વોશિંગ્ટન સુંદરે 23 બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા, જેમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગાનો સમાવેશ થાય છે. કેનબેરામાં બંને ટીમો વચ્ચેની T20 શ્રેણીની પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં T20 મેચ ચાર વિકેટથી જીતી હતી.
રન ચેઝમાં ભારતીય ટીમ માટે અભિષેક શર્મા ફોર્મમાં દેખાતો હતો, પરંતુ તેની ઇનિંગ લાંબો સમય ટકી નહોતી. અભિષેક 25 રનમાં નાથન એલિસનો શિકાર બન્યો હતો. ત્યારબાદ એલિસે શુભમન ગિલને આઉટ કર્યો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 24 રન બનાવીને આઉટ થયો હતો.
સ્ટોઈનિસ અને ડેવિડની મહેનત વ્યર્થ
ભારતીય બેટ્સમેનોએ માર્કસ સ્ટોઈનિસ અને ટિમ ડેવિડની મહેનત પર પાણી ફેરવી દીધું. આ બંને બેટ્સમેનોની અડધી સદીએ ઓસ્ટ્રેલિયાને 186 રન સુધી પહોંચાડવામાં મદદ કરી. ડેવિડે 38 બોલમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 74 રનની ધમાકેદાર ઇનિંગ રમી. આ દરમિયાન સ્ટોઈનિસે 8 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 64 રન બનાવ્યા. તેમના સિવાય અન્ય કોઈ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાંબા સમય સુધી ક્રીઝ પર ટકી શક્યો નહીં. મેથ્યુ શોર્ટે 26 રનનું યોગદાન આપ્યું.