)
Asia Cup 2025 : એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે સૂર્યકુમાર યાદવ સાથે મળીને ગઈકાલે એટલે કે 19 ઓગસ્ટના રોજ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. આ વખતની ટીમમાં ઘણા નવા દિગ્ગજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે UAE સામે પ્રથમ મેચ રમશે. ત્યારે 5 એવા ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવી છે, જેમને કદાચ એક પણ મેચમાં રમવાની તક નહીં મળે.
આ ખેલાડીઓને એક પણ મેચમાં રમવાની તક નહીં મળે ?
ભારતીય ટીમની પસંદગી અંગે ઘણી ચર્ચા થઈ રહી હતી. દરમિયાન મુખ્ય ખેલાડીઓ ઉપરાંત, BCCIએ ટીમમાં 5 વધુ ખેલાડીઓનો સ્ટેન્ડબાય તરીકે સમાવેશ કર્યો છે, જેમાં પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર અને રિયાન પરાગ, વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલ અને ભારતના વિસ્ફોટક ઓપનર યશસ્વી જયસ્વાલનો સમાવેશ થાય છે.
આ ખેલાડીઓ કેમ રમી શકશે નહીં ?
આ પાંચ ખેલાડીઓને સ્ટેન્ડબાય ખેલાડીઓ તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સ્ટેન્ડબાય ખેલાડીઓને સીધું ટીમમાં સ્થાન મળતું નથી. તેમને ત્યારે જ સ્થાન મળે છે જ્યારે મુખ્ય ખેલાડી ઘાયલ થાય છે અથવા ટુર્નામેન્ટમાંથી બહાર થાય છે. ભારતીય ટીમમાં સીધો પ્રવેશ મેળવવો બિલકુલ સરળ રહેશે નહીં. આ જ કારણ છે કે આ પાંચ ખેલાડીઓની આ ટુર્નામેન્ટમાં ડેબ્યૂ કરવાની શક્યતા નહિવત્ છે.
જો તક મળે તો મેચ વિનર સાબિત થઈ શકે છે
પાંચેય ખૂબ જ શાનદાર ખેલાડી છે. કૃષ્ણાએ ઇંગ્લેન્ડ સામે શાનદાર બોલિંગ કરી હતી. સુંદરે ઇંગ્લેન્ડ પ્રવાસ પર ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને બધાનું દિલ જીતી લીધું હતું. તો યશસ્વીએ ઓપનિંગ બેટ્સમેન તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રિષભ પંતની ગેરહાજરીમાં ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. રિયાન પરાગ એક ઉભરતો બેટ્સમેન છે. તે રાજસ્થાન રોયલ્સ માટે રમે છે.