IPL 2025 : KKRનો સ્કોર 200ને પાર ગયો હોત...પરંતુ 10મી ઓવરના છેલ્લા બોલે પલટાઈ બાજી
IPL 2025 KKR vs RCB : RCB અને KKR વચ્ચે IPL 2025ની પ્રથમ મેચમાં એક પછી એક રોમાંચક ક્ષણો જોવા મળી. RCBની ટીમે આ મેચ આસાનીથી 7 વિકેટે જીતી લીધી હતી. એક સમયે આ મેચ KKRના હાથમાં હોય તેવું લાગી રહ્યું હતું.
Trending Photos
IPL 2025 KKR vs RCB : વિરાટ કોહલી (અણનમ 59) અને ફિલ સોલ્ટ (56) ની આક્રમક બેટિંગ સાથે ક્રુણાલ પંડ્યા અને જોસ હેઝલવુડની આગેવાની હેઠળના બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગત વર્ષની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 22 બોલ બાકી રહેતા 7 વિકેટે જીત મેળવી હતી . આ મેચમાં KKRની ટીમ 8 વિકેટે 174 રન જ બનાવી શકી હતી. RCBએ 16.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને આસાનીથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ મેચમાં 10મી ઓવરના છેલ્લા બોલે એક એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને મેચ KKRના હાથમાંથી નીકળી ગઈ.
મેચનો ટર્નિંગ પોઈન્ટ
KKRના કેપ્ટન અજિંક્ય રહાણેની શાનદાર શરૂઆત કરી અને 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. 2016માં ભારત માટે છેલ્લી ટી20 મેચ રમનાર રહાણેને શ્રેયસ ઐયરની જગ્યાએ KKRનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેણે 31 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 56 રનની ઇનિંગ રમી હતી. તેની સાથે સુનીલ નારાયણે 26 બોલમાં 44 રનની ઈનિંગ રમીને તેને શાનદાર સાથ આપ્યો હતો. બંનેએ બીજી વિકેટ માટે 55 બોલમાં 103 રનની ભાગીદારી કરીને મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો.
પરંતુ સમસ્યા ત્યારે ઊભી થઈ જ્યારે આ બંને બેટ્સમેનોએ માત્ર 4 બોલમાં પોતાની વિકેટ ગુમાવી દીધી. રસિક સલામે 10મી ઓવરના છેલ્લા બોલ પર સુનીલ નરેનને આઉટ કર્યો હતો. આ પછી રહાણેએ પણ 11મી ઓવરના ત્રીજા બોલ પર પોતાની વિકેટ કૃણાલ પંડ્યાને આપી. અહીંથી KKRની ટીમ ફરીથી મેચમાં આવી શકી નહીં.
લોઅર મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ નિરાશ કર્યા
KKRના લોઅર મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. જેમાં તેના સૌથી મોંઘા ખેલાડીઓ વેંકટેશ ઐયર, રિંકુ સિંહ અને આન્દ્રે રસેલનો સમાવેશ થાય છે. આ બેટ્સમેનોની નિષ્ફળતાને કારણે ટીમ છેલ્લી ચાર ઓવરમાં બે વિકેટ ગુમાવીને માત્ર 23 રન બનાવી શકી હતી. જેના કારણે, KKRનો સ્કોર 225 સુધી પહોંચવાને બદલે 174 પર અટકી ગયો અને RCBએ કોલકાતાના મેદાન પર સરળતાથી જીત મેળવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે