)
UAE vs Pakistan: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ફરી એકવાર પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. એશિયા કપમાં પાકિસ્તાન અને UAE વચ્ચે ડ્રામા બાદ જ્યારે મેચ શરૂ થયો તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ એક જુઠ્ઠાણું ફેલાવ્યું. પાકિસ્તાન દ્વારા દાવો કરવામાં આવ્યો કે, મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે માફી માંગી લીધી. જ્યારબાદ પાકિસ્તાન મેચ રમવા માટે સંમત થયું છે. જો કે, ICCએ સ્પષ્ટતા કરી કે, રેફરીએ માફી તો માંગી છે, પરંતુ તેમની માફી હેન્ડશેક વિવાદને લઈ નહોતી.
ICCએ સ્પષ્ટપણે જણાવ્યું કે, મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે માફી માંગી જરૂર છે, પરંતુ તે માફી તેમણે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન બન્ને ટીમો વચ્ચે થયેલ મિસ કમ્યુનિકેશન માટે માફી માંગી છે, પરંતુ હેન્ડશેક વિવાદમાં તેમની ભૂલ માટે નહીં. નોંધનીય છે કે, PCBની ફરિયાદ બાદ ICCએ અગાઉ રેફરી એન્ડી પાયક્રોફ્ટને ક્લીનચીટ આપી હતી. આવી સ્થિતિમાં ICCએ સ્પષ્ટતા કરી કે, હેન્ડશેક વિવાદ પર રેફરીના માફી માંગવાનો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો.
જ્યારે PCBએ પોતાની આબરૂ બચાવવા માટે મીડિયામાં જુઠ્ઠાણું ફેલાવ્યું કે, મેચ રેફરીએ માફી માંગી લીધી છે. જ્યારબાદ પાકિસ્તાની ટીમ UAE સામે મેચ રમવા માટે સંમત થઈ.
મેચ પહેલા પાકિસ્તાને શું કર્યું?
પાકિસ્તાને યુએઈ સામેની મેચના માત્ર એક કલાક પહેલા કહ્યું કે, તેઓ આ મેચમાં ભાગ નહીં લેશે. પાકિસ્તાની ટીમ હોટલમાંથી મેદાન માટે રવાના પણ થઈ ન હતી. ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓને હોટેલમાં પાછા ફરવા અને તેમના રૂમમાં રહેવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાને બે શરતો મૂકી હતી અને કહ્યું કે, જો મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ માફી માંગે છે અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવને દંડ ફટકારવામાં આવે તો જ તેઓ મેચ રમશે. જો કે, આઈસીસીએ બન્ને માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો.
શરમજનક સ્થિતિ જોઈને પાકિસ્તાન બોર્ડે ફરીથી કહ્યું કે, તેઓ મેચ રમવા માટે તૈયાર છે અને પછી એક કલાક બાદ મેચ રાત્રે 9 વાગ્યે શરૂ થયો. નોંધનીય છે કે, જો પાકિસ્તાન આ મેચ ન રમ્યું હોત, તો તે એશિયા કપ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હોત. કારણ કે આનાથી યુએઈને વોકઓવર મળ્યો હોત, અને બે પોઈન્ટ સાથે યજમાન ટીમ સુપર ફોર માટે ક્વોલિફાય થઈ ગઈ હોત.