)
છેલ્લા કેટલાક વર્ષોમાં T20 ક્રિકેટે ચાહકોને મોહિત કર્યા છે. કેટલાક ખેલાડીઓએ એવા પરાક્રમો હાંસલ કર્યા છે જે ચાહકોને આશ્ચર્યચકિત કરી દે છે. કેટલાક રેકોર્ડ પહેલી નજરે માનવા મુશ્કેલ હોય છે, જ્યારે કેટલાકને તોડવા અશક્ય લાગે છે. T20 ક્રિકેટમાં ખેલાડીઓ બેટ અથવા બોલથી પોતાનું કૌશલ્ય દર્શાવે છે, પરંતુ બંનેમાં એકસાથે નિપુણતા મેળવવી એ એક દુર્લભ સિદ્ધિ છે. એક ખેલાડી એવો છે, જે માત્ર રન જ નહીં, પરંતુ વિકેટો પણ લીધી છે, જેનાથી એક એવો વર્લ્ડ રેકોર્ડ બન્યો જેને તોડવો ખૂબ જ મુશ્કેલ લાગે છે.
શું છે આ વર્લ્ડ રેકોર્ડ ?
અમે જે વર્લ્ડ રેકોર્ડની વાત કરી રહ્યા છીએ, તે T20માં 500થી વધુ વિકેટ, 500થી વધુ છગ્ગા અને 5000થી વધુ રનનો રેકોર્ડ છે. વિશ્વનો ફક્ત એક જ ખેલાડી આ સીમાચિહ્ન સુધી પહોંચ્યો છે. તે બીજું કોઈ નહીં પણ વેસ્ટ ઈન્ડિઝનો ઘાતક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ છે. રસેલ વિશ્વનો પહેલો ક્રિકેટર છે જેણે T20 ક્રિકેટમાં એક સાથે 5000થી વધુ રન, 500 વિકેટ અને 500થી વધુ છગ્ગા ફટકાર્યા છે. તેણે ડિસેમ્બર 2025માં આ સિદ્ધિ હાંસલ કરી છે.
T20માં 9563 રન બનાવ્યા
આન્દ્રે રસેલ T20માં એક ખતરનાક ઓલરાઉન્ડર છે, તે બેટ અને બોલ બંનેથી ઘાતક છે. તેણે 579 મેચોમાં 9563 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 34 અર્ધશતકનો સમાવેશ થાય છે. તેની કારકિર્દીની સ્ટ્રાઇક રેટ 168.24 છે. અંતિમ ઓવરોમાં છગ્ગા મારવા એ તેના ડાબા હાથનો ખેલ છે.
579 મેચમાં 504 વિકેટ
આન્દ્રે રસેલ 2010થી T20 રમી રહ્યો છે. અત્યાર સુધીમાં, તેણે 579 મેચ રમી છે, જેમાં 504 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 15 રનમાં 5 વિકેટ છે. રસેલ વિશ્વભરની T20 લીગમાં રમે છે. તે તેની કારકિર્દીમાં અત્યાર સુધી બે ડઝન અલગ અલગ ટીમો માટે રમી ચૂક્યો છે. તે વિશ્વભરમાં T20 ક્રિકેટમાં છઠ્ઠા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. નંબર વન રાશિદ ખાન છે, જેણે 504 મેચમાં 685 વિકેટ લીધી છે.
આન્દ્રે રસેલે T20માં કેટલા ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા છે ?
આન્દ્રે રસેલે T20માં સૌથી વધુ છગ્ગા ફટકારનાર તરીકે પણ ઓળખાય છે. તેણે અત્યાર સુધી તેની કારકિર્દીમાં 778 છગ્ગા અને 632 ચોગ્ગા ફટકાર્યા છે. T20માં ચોગ્ગા કરતાં તેણે છગ્ગા વધુ ફટકાર્યા છે. આ આંકડા દર્શાવે છે કે રસેલના છગ્ગા વધુ જાણીતા છે.