)
Unbreakable Cricket Record: વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક આખી ટીમ માટે 372 રન બનાવવા સરળ નથી. પરંતુ અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં બે બેટ્સમેનોએ મળીને એટલા રન બનાવી દીધા હતા કે હવે, આ રેકોર્ડ વર્ષો સુધી તોડવો લગભગ અશક્ય લાગી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, ટીમની માત્ર એક વિકેટ 0ના સ્કોર પર પડી હતી, પરંતુ ત્યારબાદ બે બેટ્સમેનોએ તે વિકેટની ઉજવણીને દુઃખમાં ફેરવી દીધી.
બની ગયો વર્લ્ડ રેકોર્ડ
વનડે ઇતિહાસમાં સૌથી મોટી પાર્ટનરશિપનો વર્લ્ડ રેકોર્ડ 2015માં બન્યો હતો, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેની ટીમો આમને-સામને આવી હતી. ટોસ જીત્યા પછી વેસ્ટ ઈન્ડિઝે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ પહેલો ઝટકો 0 ના સ્કોર પર લાગ્યો હતો. આ વિકેટ પછી ઝિમ્બાબ્વેની ટીમ ખૂબ જ ખુશ થઈ ગઈ, પરંતુ કોણ જાણતું હતું કે થોડીવારમાં બોલરો વિકેટ માટે ભીખ માંગતા જોવા મળશે.
આ જોડીએ મચાવ્યું રનોનું તોફાન
વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલે બાજી સંભાળી હતી. તેમણે કોઈ બોલરને છોડ્યો નહીં. ગેલ સદી ફટકાર્યા પછી પણ અટક્યો નહીં. તેમણે માત્ર 147 બોલમાં 10 ચોગ્ગા અને 16 છગ્ગા ફટકારીને 215 રન બનાવ્યા. બીજા છેડે માર્લોન સેમ્યુઅલ્સે પણ તબાહી મચાવી દીધી. તેમણે 156 બોલમાં 133 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. બન્ને વચ્ચે 372 રનની રેકોર્ડબ્રેક પાર્ટનરશિપ જોવા મળી.
તૂટી ગયો દ્રવિડ-સચિનનો રેકોર્ડ
વનડેમાં સૌથી મોટી પાર્ટનરશિપનો રેકોર્ડ રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરના નામે હતો. આ બન્ને ખેલાડીઓ વચ્ચે 1999માં 331 રનની રેકોર્ડ પાર્ટનરશિપ જોવા મળી હતી. પરંતુ આ રેકોર્ડને ગેઇલની બેવડી સદીએ તોડી નાખ્યો. હવે આ રેકોર્ડ નંબર-3 પર આવી ગયો છે. બીજા નંબર પર 2019માં વેસ્ટ ઇન્ડીઝના શાઈ હોપ અને કેમ્પબેલ વચ્ચે 365 રનની પાર્ટનરશિપ છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે, કઈ જોડી 372 રનની પાર્ટનરશિપના રેકોર્ડને તોડે છે.