ન્યૂયોર્કઃ દુનિયાના નંબર-1 ખેલાડી રાફેલ નડાલે ઈજાને કારણે અધવચ્ચે જ મેચ છોડી દેવાથી આર્જેન્ટિનાના ત્રીજા ક્રમાંકિત જુઆન માર્ટિન ડેલ પોત્રોને અમેરિકન ઓપનની ફાઈનલમાં સ્થાન મળી ગયું છે. અહીં તેની ટક્કર નોવાક જોકોવિચ સાથે થશે. નડાલે જ્યારે આ મેચમાંથી પાછા ખસી જવાનો નિર્ણય લીધો ત્યારે 2009નો ચેમ્પિયન ડેલ પોત્રો 7-6, 6-2થી આગળ હતો. ફાઈનલમાં તેને 2011 અને 2015ના ચેમ્પિયન જોકોવિચ સામે ટક્કર લેવાની છે, જે 8મી વખત આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકોવિચે જાપાનના કેઈ નિશિકોરીને 6-3, 6-4, 6-2થી હરાવીને પોતાની 23મી ગ્રાન્ડ સ્લેમમાં સ્થાન પાકું કર્યું હતું. બંને ખેલાડીઓ વચ્ચે અત્યાર સુધી રમાયેલી મેચોમાં જોકોવિચનું પલડું ભારે રહ્યું છે. જોકોવિચે 14 મેચ જીતી છે, જ્યારે ડેલ પોત્રો 4માં જ વિજય મેળવી શક્યો છે. 


જોકોવિચે અમેરિકન ઓપનમાં ડેલ પોત્રોને 2007 અને 2012માં બે વખત એક પણ સેટ ગુમાવ્યા વગર હરાવ્યો છે. 


ગયા વર્ષે ઈજાના કારણે ટૂર્નામેન્ટમાં ન રમનારા ડેલ પોત્રોએ જણાવ્યું કે, "અમે એક-બીજા સામે ગ્રાન્ડસ્લેમમાં ક્યારેય રમ્યા નથી. હું એક ખેલાડી અને વ્યક્તિ તરીકે તેમનું ઘણું જ સન્માન કરું છું. તે મહાન ખેલાડી છે. નડાલ ઈજાગ્રસ્ત થતો રહ્યો છે, પરંતુ એક મોટો ખેલાડી છે."



રાફેલ નડાલે જણાવ્યું કે, "મને અધવચ્ચે રમત છોડી દેવી પસંદ નથી. એક ખેલાડી રમતો હોયત્યારે બીજો કોર્ટની બહાર હોય તો તેને ટેનિસની મેચ કહી શકાય નહીં." આ અગાઉ નડાલે બુધવારે લગભગ 5 કલાક સુધી ચાલેલી ક્વાર્ટર ફાઈનલમાં ડોમિનિક થિએમને હરાવ્યો હતો. 


વિમ્બલડન ચેમ્પિયન જોકોવિચે નિશિકોરી સામે 17 મેચમાંથી 15 મેચ જીતી છે. જોકોવિચ જો ફાઈનલ મેચ જીતે છે તો તે પીટ સામ્પ્રાસની બરાબરી કરશે.