)
એશિઝ સિરીઝના સમાપન સાથે ઉસ્માન ખ્વાજાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પણ અંત આવ્યો. સિડનીમાં રમાયેલી પાંચમી ટેસ્ટ પહેલા ખ્વાજાએ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયાની શાનદાર જીત સાથે ખ્વાજાએ તેની શાનદાર કારકિર્દીનો અંત લાવ્યો. હવે નિવૃત્તિના માત્ર બે દિવસ બાદ ઉસ્માન ખ્વાજાએ મેદાનમાં વાપસી કરી અને BBLમાં તબાહી મચાવી છે.
39 વર્ષીય ઉસ્માન ખ્વાજા છેલ્લા કેટલાક સમયથી ઇજાઓથી પીડાઈ રહ્યો હતો. બધાને ખબર હતી કે તે પોતાની કારકિર્દીના અંતની નજીક છે. ઉસ્માન ખ્વાજાએ સિડનીમાં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી અને નિવૃત્તિ લીધી. પોતાની છેલ્લી ટેસ્ટ સિરીઝમાં ખ્વાજા ચાર મેચ રમ્યો અને 176 રન બનાવ્યા, જેમાં એડિલેડમાં શાનદાર 82 રનનો સમાવેશ થાય છે.
BBLમાં આવતાની સાથે જ રમી તોફાની ઇનિંગ
નિવૃત્તિ બાદ ઉસ્માન ખ્વાજા BBL 2025-26 સીઝનમાં રમી રહ્યો છે. બ્રિસ્બેન હીટ માટે રમતા તેણે સિડની થંડર સામે પોતાની વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું. સિડની થંડરે 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ઉસ્માન ખ્વાજા બ્રિસ્બેન હીટ માટે ઓપનિંગ કરવા આવ્યો. તેણે 48 બોલમાં 78 રનની શાનદાર ઇનિંગ્સ રમી, જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
બ્રિસ્બેનની શાનદાર જીત
ઉસ્માન ખ્વાજા ઉપરાંત જેક વાઇલ્ડરમુથ અને મેટ રેનશોએ પણ બ્રિસ્બેન હીટ માટે શાનદાર ઇનિંગ્સ રમી. જેકે શરૂઆતમાં ઝડપી બેટિંગ કરી અને તે 15 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો. રેનશોએ પણ આવતાની સાથે જ તોફાની શોટ મારવાનું શરૂ કરી દીધું. તેણે 26 બોલમાં અણનમ 42 રન બનાવ્યા. ખ્વાજાને બંનેનો સાથ મળ્યો અને બ્રિસ્બેનને વિજય અપાવ્યો.