)
Virat Kohli Post for Cheteshwar Pujara: 24 ઓગસ્ટ 2025ના રોજ દિગ્ગજ ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને ફેન્સને પોતાના નિર્ણયની જાણકારી આપી છે. ઘણા પૂર્વ ક્રિકેટરોએ પુજારાને તેમના શાનદાર આંતરરાષ્ટ્રીય કરિયર અને નિવૃત્તિ પછીના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી છે. હવે પુજારા સાથે લાંબા સમય સુધી ટેસ્ટ ક્રિકેટ રમનાર પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પુજારા માટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.
કોહલીએ આ વાત માટે પુજારાનો માન્યો આભાર
વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર પુજારા માટે એક સ્ટોરી પોસ્ટ કરી અને લખ્યું કે, 'નંબર-4 બેટિંગ માટે મારો રસ્તો સરળ બનાવવા બદલ આભાર.' તમને જણાવી દઈએ કે, ચેતેશ્વર પુજારા ત્રીજા નંબર પર બેટિંગ કરતો હતો અને તેમણે ઘણી મહત્વપૂર્ણ ઇનિંગ્સ પણ રમી હતી. તેમના પછી વિરાટ કોહલી ચોથા નંબર પર આવતા હતા. તમને જણાવી દઈએ કે, કોહલીએ ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે. આ વર્ષે ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા તેમણે આ ફોર્મેટને અલવિદા કહીને ફેન્સને ચોંકાવી દીધા હતા.
'તમારું કરિયર અદ્ભુત રહ્યું...'
કોહલીએ આગળ લખ્યું કે, 'તમારું કરિયર અદ્ભુત રહું. અભિનંદન અને આગળ જે કંઈ થાય તે માટે શુભકામનાઓ. ગોડ બ્લેસ ચેતેશ્વર પુજારા.' પુજારાએ 103 ટેસ્ટ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં તેમણે 19 સદી અને 35 અડધી સદી સહિત 7195 રન બનાવ્યા છે. પુજારાનું આક્રમક બેટિંગ, ધીરજ અને 'દિવાલ' જેવા મજબૂત બચાવ માટે જાણીતા હતા. પુજારા વિદેશમાં રમાયેલી ઘણી ટેસ્ટ મેચોમાં વિજયનો હીરો હતા. ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં. પુજારાને છેલ્લા બે વર્ષથી ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી. તેઓ છેલ્લે 2023માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતીય ટીમ માટે રમ્યા હતા.
પુજારાએ કરી હતી પોસ્ટ
પુજારાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું કે, 'ભારતીય જર્સી પહેરીને, રાષ્ટ્રગીત ગાતા અને દરેક વખતે મેદાનમાં ઉતરતી વખતે તમારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરવો - તેનો સાચો અર્થ શબ્દોમાં વર્ણવવો અશક્ય છે. પરંતુ જેમ તેઓ કહે છે, દરેક સારી વસ્તુનો અંત આવવો જ જોઇએ અને અપાર કૃતજ્ઞતા સાથે મેં ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તમારા બધાના પ્રેમ અને સમર્થન બદલ આભાર!'