)
Virat Kohli: સાઉથ આફ્રિકા સામે રાંચીમાં રમાયેલી પહેલી વનડેમાં શાનદાર સદી ફટકારનાર વિરાટ કોહલી વિશે એક મોટો અપડેટ સામે આવ્યો છે. પહેલા એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, કોહલી આગામી ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં નહીં રમે, પરંતુ હવે આ વાત પર મહોર લાગી ગઈ છે કે, સ્ટાર ખેલાડી આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, BCCIએ તમામ સિનિયર ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું કહ્યું છે અને બોર્ડ આ અંગે ઘણું કડક પણ છે. જ્યારે બીજીતરફ હેડ કોચ ગૌતમ ગંભીર પણ ઈચ્છે છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી આગામી વિજય હજારે ટ્રોફીમાં રમે, કારણ કે હવે બન્ને એક જ ફોર્મેટમાં એક્ટિવ છે.
કોહલીએ સ્વીકાર્યો BCCIનો આદેશ
ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, ડીડીસીએના અધ્યક્ષ રોહન જેટલીએ મંગળવાર (2 ડિસેમ્બર)ની સાંજે આ વાત પર મહોર મારતા કહ્યું કે, વિરાટ કોહલીએ કન્ફર્મ કર્યું છે કે તેઓ વિજય હજારે ટ્રોફીમાં ઉપલબ્ધ રહેશે.
કોહલીએ દબાણમાં લીધો મોટો નિર્ણય?
જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ અચાનક વિજય હઝારે ટ્રોફીમાં રમવા માટે હા ભરી છે, જેનાથી ફેન્સ પણ આશ્ચર્યચકિત છે. આ પાછળનું મોટું કારણ એ છે કે, સાઉથ આફ્રિકા સામેની રાંચી વનડેમાં 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ લેતા તેમણે પોતે કહ્યું હતું કે, "હું ક્યારેય વધારે તૈયારીનો સમર્થક રહ્યો નથી. મારી બધી ક્રિકેટ માનસિક રહી છે. જ્યાં સુધી મને લાગે છે કે, હું માનસિક રીતે રમી શકું છું, હું મારા જીવનના દરેક દિવસે શારીરિક રીતે સખત મહેનત કરું છું. હવે તેને ક્રિકેટ સાથે કોઈ લેવાદેવા નથી. આ મારી જીવવાની રીત છે."
જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ છેલ્લે 2009/10 સિઝનમાં વિજય હજારે ટ્રોફીમાં ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં તેમણે છેલ્લી મેચ 18 ફેબ્રુઆરી 2010ના રોજ રમી હતી.
RO-KO પર રહેશે બધાની નજર
સાઉથ આફ્રિકા સામે રાંચીમાં રમાયેલી સિરીઝની પ્રથમ વનડેમાં વિરાટ કોહલીએ 135 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેમણે પોતાની ODI કરિયરની 52મી સદી ફટકારી હતી. જ્યારે તેના સાથી રોહિત શર્માએ પણ 57 રન બનાવ્યા હતા અને બન્નેએ 136 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. ભારતે રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રને હરાવ્યું હતું. ત્રણ મેચોની સિરીઝની બીજી મેચ બુધવારે 3 ડિસેમ્બરે રાયપુરમાં રમાશે. આ મેચમાં પણ કરોડો ભારતીય ફેન્સની નજર RO-KO પર રહેશે.