INDvsNZ: ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર વિરાટનું ખરાબ ફોર્મ જારી, સાઉદીએ 10મી વખત કર્યો આઉટ


ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર માત્ર એક અડધી સદી ફટકારી છે. કોહલીએ છેલ્લી 21 ઈનિંગમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી નથી. 
 

INDvsNZ: ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર વિરાટનું ખરાબ ફોર્મ જારી, સાઉદીએ 10મી વખત કર્યો આઉટ

ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ક્રાઇસ્ટચર્ચની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 242 રન પર ઓલઆઉટ થઈ ગઈ, આશા હતી કે કેપ્ટન વિરાટ કોહલીનું બેટ બોલશે પરંતુ તે 3 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ખરાબ ફોર્મ જારી છે. શનિવારે ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં કોહલી કંઇ ખાસ કમાલ ન કરી શક્યો અને 15 બોલનો સામનો કર્યા બાદ માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો. 

સાઉદીએ 10મી વાર કોહલીનો કર્યો શિકાર
આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીએ એક રિવ્યૂ પણ ખરાબ કર્યું હતું. ટીમ સાઉદીએ કોહલીને LBW આઉટ કર્યો હતો. કોહલીનું બેટ હજુ પણ ખામોશ છે. આ 10મી વખત છે જ્યારે ટીમ સાઉદીએ વિરાટ કોહલીને આઉટ કર્યો છે. અત્યાર સુધી તમામ ફોર્મેટમાં મળીને ટિમ સાઉદીએ વિરાટ કોહલી વિરુદ્ધ આ રેકોર્ડ બનાવ્યો છે. ટેસ્ટમાં આ ત્રીજી વખત છે જ્યારે સાઉદીએ વિરાટ કોહલીને આઉટ કર્યો છે. આ સિવાય સાઉદીએ કોહલીને વનડેમાં 6 અને ટી20 આંતરરાષ્ટ્રીયમાં એકવાર આઉટ કર્યો છે. 

વિરાટ કોહલી ફરી ફ્લોપ
વિરાટ કોહલી આ પ્રવાસ પર અત્યાર સુધી 10 ઈનિંગમાં 20.4ની એવરેજથથી 204 રન બનાવી શક્યો છે. 31 વર્ષીય કોહલીનું ખરાબ ફોર્મ જારી છે. કોહલીના ખરાબ ફોર્મનો અંદાજ તે વાતથી લગાવી શકાય છે કે, તેણે ત્રણેય ફોર્મેટની છેલ્લી 21 ઈનિંગમાં સદી ફટકારી નથી. 

કોહલીએ પોતાની છેલ્લી સદી પાછલા વર્ષે નવેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી ડે-નાઇટ ટેસ્ટ મેચમાં ફટકારી હતી, ત્યારે તેણે 136 રન બનાવ્યા હતા. રન મશીન કેપ્ટન કોહલી હાલના સમયમાં સીમિત ઓવરોમાં પણ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર સાત ઈનિંગમાં માત્ર 180 રન બનાવ્યા હતા, જેમાં એક અડધી સદી સામેલ છે. 

બરબાદ કર્યું DRS
આ પ્રથમવાર નથી જ્યારે કોહલી ખરાબ ફોર્મમાં છે. આ પહેલા ફેબ્રુઆરી 2014થી લઈને ઓક્ટોબર 2014 સુધી તે ત્રણેય ફોર્મેટની 25 ઈનિંગમાં એકપણ સદી ફટકારી શક્યો નહતો. તેમાં ઈંગ્લેન્ડનો તે પ્રવાસ પણ સામેલ છે, જ્યાં તેણે પાંચ ટેસ્ટ મેચોમાં માત્ર 134 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચની બંન્ને ઈનિંગમાં કોહલીએ 2 અને 19 રન બનાવ્યા હતા. આજે વિરાટ કોહલી 15 બોલમાં 3 રન બનાવી આઉટ થયો હતો. ટિમ સાઉદીના બોલ પર કોહલી એલબીડબ્લ્યૂ થયો બાદમાં તેણે ડીઆરએસ લીધું હતું. ડીઆરએસથી પણ કોહલી બચી ન શક્યો અને તેણે પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. આ રીતે ટીમ ઈન્ડિયાએ રિવ્યૂ પણ ગુમાવી દીધું હતું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news