)
BCCI vs ICC: ભારતમાં ક્રિકેટ ફક્ત એક રમત નથી, પરંતુ એક ઈમોશન છે. જ્યારે પણ ભારતીય ટીમ મેદાનમાં ઉતરે છે, ત્યારે આખો દેશ તેમના ટીવી સ્ક્રીન સામે ચોંટી જાય છે. સ્ટેડિયમમાં લાખો લોકોની ભીડ, ઘરોમાં રંગબેરંગી પોસ્ટરો અને સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ્સ આ બધું ક્રિકેટ પ્રત્યે લોકોના પ્રેમને દર્શાવે છે. આ ક્રેઝ ફક્ત લાગણીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ તે એક મોટો બિઝનેસ પણ બની ગયો છે અને આ બિઝનેસ પાછળનું સૌથી મોટી તાકાત ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) છે.
હાલમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીના પૂર્વ કેપ્ટન મિથુન મન્હાસને આ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. જો કે, BCCIના આવક, તાકાત અને નિર્ણયોની અસર હવે ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં થાય છે. બીજી તરફ ICC, જે ક્રિકેટનું આંતરરાષ્ટ્રીય સ્તરે સંચાલન કરે છે. તકનીકી રીતે ક્રિકેટમાં સૌથી મોટી સંસ્થા છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે, ICC અને BCCIમાં સૌથી વધું તાકાતવર કોણ છે? ચાલો જોઈએ કે, BCCI અને ICCમાં કોણ સૌથી વધુ તાકાતવર છે અને કેવી રીતે ભારતીય બોર્ડ ક્રિકેટ પર રાજ કરે છે.
BCCI અને ICCમાં કોણ સૌથી તાકાતવર?
BCCIની શરૂઆત 1928માં થઈ હતી. આજે આ સંસ્થા દુનિયાની સૌથી અમીર અને સૌથી પ્રભાવશાળી ક્રિકેટ બોર્ડ બની ગયું છે. આજે BCCI ભારતીય ક્રિકેટ ટીમનું સંચાલન કરે છે, સ્થાનિક ટુર્નામેન્ટ જેમ કે, રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી વગેરેનું આયોજન કરે છે અને IPL જેવી ગ્લોબલ T20 લીગનું સંચાલન કરે છે. 2024ના રિપોર્ટ અનુસાર, BCCIની કુલ સંપત્તિ 20,686 કરોડ રૂપિયાથી વધુ છે. આ સંપત્તિ દુનિયાના બીજા સૌથી અમીર બોર્ડ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કરતા અનેક ગણી વધારે છે.
જ્યારે ICCએ વૈશ્વિક ક્રિકેટ સંસ્થા છે, જે વર્લ્ડ કપ જેવી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન કરે છે, નિયમો બનાવે છે અને તમામ દેશોના ક્રિકેટ બોર્ડનું સંચાલન કરે છે. જો કે, BCCI એકલા ICCના કુલ આવકના 38.5 ટકા હિસ્સો ધરાવે છે, જે તેની સંપત્તિ અને શક્તિ દર્શાવે છે. આ ઉપરાંત ICCના ચેરમેન પણ ભારતના છે, જે ભારતને વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ પ્રભાવ આપે છે. એકંદરે ICC પાસે વધુ સત્તા છે, પરંતુ BCCI તેના પાયામાં એક સ્તંભ તરીકે સેવા આપે છે.
કેવી રીતે ભારતીય બોર્ડ ક્રિકેટ રાજ કરે છે
જ્યારે ભારતીય ટીમ વિદેશ પ્રવાસ કરે છે, ત્યારે ટિકિટ અને ટીવીની આવકમાં ઝડપથી વધારો થાય છે, અને અન્ય દેશો ભારત સાથે સિરીઝ રમવા માટે લાઇન લગાવે છે. આ દરમિયાન IPL દુનિયાની સૌથી અમીર લીગ બની ગઈ છે. વિદેશી ખેલાડીઓ IPL રમવા માટે આંતરરાષ્ટ્રીય મેચો છોડી દે છે. આનાથી ICCને ઝૂકવું પડે છે, કારણ કે ખેલાડીઓ અને પૈસા બન્ને ભારતના પક્ષમાં કેન્દ્રિત છે. આ ઉપરાંત ભારત સૌથી વધુ સંખ્યામાં દર્શકોને આકર્ષિત કરે છે. ભારતમાં સૌથી વધુ મેચ જોવામાં આવે છે અને ભારતનો પ્રવાસ કરતી અન્ય ટીમો માટે સૌથી વધુ આવક ઉત્પન્ન કરે છે.