)
Reason Mitchell Starc Retired: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેમણે અચાનક નિવૃત્તિ લઈને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. સ્ટાર્ક 2012માં ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું અને હવે 13 વર્ષ બાદ તેમણે આ નિર્ણય લીધો છે. ચાલો જાણીએ કે તેમણે આ નિર્ણય કેમ લીધો.
સ્ટાર્કના નિવૃત્તિ પાછળનું કારણ
મિચેલ સ્ટાર્કે પોતાની નિવૃત્તિ પાછળનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, તેઓ પોતાને ભારત સામેની સિરીઝ, વનડે વર્લ્ડ કપ અને એશિઝ માટે ફીટ રાખવા માંગે છે. તેમણે કહ્યું, ‘મારી નજર હવે ટીમ ઈન્ડિયા સામેની ટેસ્ટ સિરીઝ, એશિઝ અને 2027ના વનડે વર્લ્ડ કપ પર છે. મને લાગે છે કે સંપૂર્ણ રીતે ફીટ અને ફ્રેશ રહેવા માટે મારી પાસે આ (T20Iમાંથી નિવૃત્તિ) સૌથી સારો રસ્તો હતો. આનાથી ટી20 વર્લ્ડ કપ પહેલા યોજાનારી મેચોમાં બોલિંગ ગ્રુપને તૈયારી કરવાનો સારો મોકો મળશે.’
સ્ટાર્ક માટે સૌથી યાદગાર ક્ષણ
પોતાના લાંબા ટી20 કરિયર દરમિયાન સ્ટાર્કે ઘણી યાદગાર જીત અપાવી છે. પરંતુ તેમના માટે સૌથી યાદગાર ક્ષણ 2021નો વર્લ્ડ કપ રહ્યો. સ્ટાર્કે જણાવ્યું, ‘ટેસ્ટ ક્રિકેટ હંમેશા મારી પ્રાથમિકતા રહી છે. ઓસ્ટ્રેલિયા માટે રમેલી દરેક ટી20 મેચની દરેક મિનિટનો મેં આનંદ માણ્યો છે, ખાસ કરીને 2021નો વર્લ્ડ કપ. માત્ર એટલા માટે નહીં કે અમે જીત્યા, પરંતુ અમારો ગ્રુપ શાનદાર હતો અને અમે ખૂબ મજા કરી.’
મિચેલ સ્ટાર્કનો T20I રેકોર્ડ
મિચેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા માટે કુલ 65 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. આ દરમિયાન તેમણે 23.81ની સરેરાશથી 79 વિકેટ લીધી છે અને તેમની ઈકોનોમી 7.74 રહી છે. તેમણે એકવાર ટી20માં 4 વિકેટ પણ લીધી છે. ભલે 2026ના ટી20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમને તેમની ખોટ સાલશે, પણ તેમની પાસે સ્ટાર્કની જગ્યાએ નવા બોલર શોધવા માટે પૂરતો સમય છે.