)
India W vs South Africa W: મહિલા વનડે વિશ્વ કપ 2025માં 2 નવેમ્બરના રોજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને સાઉથ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે. બંને ટીમો શાનદાર ફોર્મમાં છે. ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. જોકે, ભારતીય ટીમ માટે ફાઇનલનો ખિતાબ જીતવો આસાન નહીં હોય. સાઉથ આફ્રિકાના 4 મોટા હથિયારો ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું તોડી શકે છે.
મ્લાબા અને ટ્રાયોન છે શાનદાર ફોર્મમાં
સાઉથ આફ્રિકાની સ્પિનર નોનકુલુલેકો મ્લાબા અને ક્લો ટ્રાયોન શાનદાર ફોર્મમાં છે. અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાં મ્લાબાએ 12 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે, જ્યારે ટ્રાયોન 4.65ના ઇકોનોમી રેટ સાથે રન આપીને 5 વિકેટ લઈ ચૂકી છે. ભારતની બેટ્સમેનો સામે આ જોડી કમાલ કરી શકે છે.
લૌરા વોલ્વાર્ડ્ટ ઓકી શકે છે આગ
સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડ્ટ શાનદાર ફોર્મમાં છે. તેણે સેમિફાઇનલ મુકાબલામાં ઇંગ્લેન્ડ સામે શાનદાર રમત બતાવી હતી અને 169 રનની ઇનિંગ્સ રમી હતી. આ ઉપરાંત, તેણે અત્યાર સુધી 67.14ની સરેરાશ સાથે 8 ઇનિંગ્સમાં 470 રન બનાવ્યા છે. સેમિફાઇનલ પહેલા શ્રીલંકા સામે અણનમ 60 અને પાકિસ્તાન સામે તે 90 રનની ઇનિંગ્સ રમી ચૂકી છે. ભારતીય બોલરોએ લૌરા વોલ્વાર્ડ્ટને જલદી આઉટ કરવી પડશે, નહીં તો તે મોટો ખતરો સાબિત થઈ શકે છે.
મારિજન કાપ વર્લ્ડ કપની સૌથી સફળ બોલર
સાઉથ આફ્રિકાની ફાસ્ટ બોલર મારિજન કાપ શાનદાર લયમાં છે. ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં તેણે 5 વિકેટ ઝડપી હતી. તેણે અત્યાર સુધી 8 મેચોમાં 12 વિકેટ પોતાના નામે કરી છે. તે વનડે વિશ્વ કપમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર પણ છે.
નાદિન ડી ક્લર્ક મેચનો પાસો પલટાવવામાં માહિર
નાદિન ડી ક્લર્ક ભારત સામે આગ ઓકળી શકે છે. તેણે ભારત સામે રમાયેલા લીગ સ્ટેજ મુકાબલામાં પણ 54 બોલમાં 84 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે એવા સમયે મોટી ઇનિંગ્સ રમી હતી, જ્યારે સાઉથ આફ્રિકા 253 રનના લક્ષ્યનો પીછો કરી રહ્યું હતું અને ટીમની 5 વિકેટ માત્ર 81 રનમાં પડી ગઈ હતી.