)
SA20 League: દક્ષિણ આફ્રિકાની પ્રીમિયર T20 લીગ SA20ની આગામી સીઝન 26 ડિસેમ્બરથી શરૂ થશે અને 25 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. આ ચોથી સીઝન માટે 9 સપ્ટેમ્બરે યોજાનારી હરાજીમાં ભારતીય ખેલાડીઓની હાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ હરાજી માટે કુલ 784 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. મોટી વાત એ છે કે, રજિસ્ટ્રેશન કરાવનારા ખેલાડીઓમાં 13 ભારતીય છે. તેમાં સૌથી અગ્રણી નામ 2011ના વર્લ્ડ કપ વિજેતા સ્પિનર પીયૂષ ચાવલાનું છે.
પીયૂષને T20 ક્રિકેટનો મોટો અનુભવ
પીયૂષ ચાવલા ભારત માટે લાંબા સમય સુધી ક્રિકેટ રમ્યો છે અને IPLમાં ટોપના બોલરોમાંથી એક છે. ચાવલાએ ટીમ ઈન્ડિયા માટે 3 ટેસ્ટ મેચમાં 7, 25 ODIમાં 32 અને 7 T20 મેચમાં 4 વિકેટ લીધી હતી. તેમણે 2006માં ડેબ્યૂ કર્યું હતું અને 2012માં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. પીયૂષે IPLમાં 192 મેચમાં 192 વિકેટ લીધી હતી. આ ટુર્નામેન્ટમાં પીયૂષ ચાવલા મુંબઈ ઇન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) વતી રમ્યો હતો.
પીયૂષ સાથે આ ખેલાડીઓએ પણ કરાવ્યું રજિસ્ટ્રેશન
પીયૂષ ઉપરાંત હરાજી માટે સિદ્ધાર્થ કૌલ અને અંકિત રાજપૂત જેવા ખેલાડીઓએ પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પીયૂષ ચાવલાની બેસ પ્રાઈસ 1,000,000 રેન્ડ (લગભગ 45 લાખ રૂપિયા) છે. આ ત્રણ મુખ્ય નામો ઉપરાંત દસ વધુ ભારતીય ખેલાડીઓએ પણ SA20 હરાજીમાં સ્થાન મેળવ્યું છે. આમાં મહેશ આહિર, સરુલ કંવર, અનુરેત સિંહ કથુરિયા, નિખિલ જગ, મોહમ્મદ ફૈધ, કેએસ નવીન, અંસારી મારૂફ, ઇમરાન ખાન, વેંકટેશ ગલિપલી અને અતુલ યાદવનો સમાવેશ થાય છે.
BCCIના નિયમો અને ખેલાડીઓની પાત્રતા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નિયમો અનુસાર, ફક્ત તે જ ભારતીય ખેલાડીઓ વિદેશી લીગમાં ભાગ લઈ શકે છે, જેમણે IPL સહિત તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. દિનેશ કાર્તિક SA20 લીગમાં રમનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે. ગયા વર્ષે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમણે SA20ની છેલ્લી સીઝનમાં પાર્લ રોયલ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
અન્ય દેશોના ખેલાડીઓની ઉપસ્થિતિ
ભારતીય ખેલાડીઓ ઉપરાંત આ હરાજીમાં 40 પાકિસ્તાની ખેલાડીઓએ પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં આઝમ ખાન, ઇમામ-ઉલ-હક, અબરાર અહેમદ અને સેમ અયુબ જેવા અગ્રણી નામોનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે, SA20ની પ્રથમ ત્રણ સીઝનમાં કોઈ પાકિસ્તાની ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. લીગની તમામ છ ફ્રેન્ચાઇઝી ભારતીય ઉદ્યોગપતિઓની માલિકીની છે, જેઓ IPL ટીમોના માલિક પણ છે. ઇંગ્લેન્ડના 150થી વધુ ખેલાડીઓએ પણ હરાજી માટે પોતાના નામ આપ્યા છે. તેમાં જેસન રોય અને એલેક્સ હેલ્સ જેવા જાણીતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના અગ્રણી ખેલાડીઓ જેમ કે, એડન માર્કરમ, લુંગી એન્ગીડી, વિયાન મુલ્ડર અને કેશવ મહારાજ પણ આ હરાજીમાં ભાગ લેશે.