)
Most Expensive Cricket Bat : ક્રિકેટ ખેલાડીની પ્રતિષ્ઠા જેટલી વધારે હોય છે, તેની યાદો અને તેની સાથે જોડાયેલી વસ્તુઓ એટલી જ કિંમતી હોય છે. ખાસ કરીને ઐતિહાસિક ઇનિંગ્સ રમવા માટે ઉપયોગમાં લેવાતા બેટ સમય જતાં ક્રિકેટ ચાહકો માટે અમૂલ્ય ખજાનો બની જાય છે. આ જ કારણ છે કે જ્યારે આવા બેટની હરાજી કરવામાં આવે છે, ત્યારે તેની કિંમત કરોડો સુધી પહોંચી શકે છે.
ક્રિકેટ ઇતિહાસમાં કેટલાક બેટ એવા છે જે રેકોર્ડ ભાવે વેચાયા છે અને વૈશ્વિક ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે આ લેખમાં આજે અમે તમને જણાવીશું કે, વિશ્વનું સૌથી મોંઘુ ક્રિકેટ બેટ કયું છે અને આ બેટ સાથે કયા ક્રિકેટરનું નામ જોડાયેલું છે.
આ ખેલાડીનું બેટ વિશ્વનું સૌથી મોંઘુ બન્યું
વિશ્વનું સૌથી મોંઘુ ક્રિકેટ બેટ મહાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સર ડોન બ્રેડમેનનું છે. બ્રેડમેનનું આ બેટ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. આ બેટને બ્રેડમેનની શાનદાર બેટિંગ સાથે સંકળાયેલો ઇતિહાસ તેને ખૂબ જ ખાસ બનાવે છે. ડોન બ્રેડમેન ઘણા ક્રિકેટ બેટ ધરાવતા હોવા છતાં તેમનું આ બેટ સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે.
આ ખાસ બેટ 2021માં હરાજી કરવામાં આવ્યું હતું. હરાજી દરમિયાન એક વ્યક્તિએ તેને નામ ન આપવાની શરતે ખરીદ્યું હતું. આ બેટ 245000 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે લગભગ 1.9 કરોથી 2 કરોડ રૂપિયામાં વેચાયું, જે વિશ્વનું સૌથી મોંઘુ ક્રિકેટ બેટ બન્યું.
બ્રેડમેનનું સૌથી મોંઘુ બેટ આટલું ખાસ કેમ ?
હકીકતમાં વિશ્વનું સૌથી મોંઘુ બેટ એ જ બેટ હતું જેનો ઉપયોગ સર ડોન બ્રેડમેને 1934ની એશિઝ ટેસ્ટ શ્રેણીમાં કર્યો હતો. આ બેટથી જ તેમણે ઇંગ્લેન્ડ સામે યાદગાર ઇનિંગ્સ રમી હતી. તેમણે હેડિંગ્લી ટેસ્ટમાં 304 રન અને ઓવલ ટેસ્ટમાં 244 રન બનાવ્યા હતા. વધુમાં બ્રેડમેને પોતે બેટ પર આ બંને ઇનિંગ્સની વિગતો લખી હતી, જેનાથી તેનું ઐતિહાસિક મહત્વ વધ્યું હતું.
ડોન બ્રેડમેનનું બેટ ખરીદનાર વ્યક્તિએ તેને પોતાના માટે રાખ્યું નહોતું, પરંતુ તેને ઓસ્ટ્રેલિયાના બોરલમાં ડોન બ્રેડમેન મ્યુઝિયમમાં પ્રદર્શન માટે દાનમાં આપ્યું હતું. આજે પણ લાખો ક્રિકેટ ચાહકો આ ઐતિહાસિક બેટ જોવા માટે મ્યુઝિયમની મુલાકાત લે છે.
ધોનીનું બેટ પણ છે મોઘું
સૌથી મોંઘા બેટની વાત થતી હોય અને એમએસ ધોનીનો ઉલ્લેખ ના કરીએ એ કેમ ચાલે. 2011ના ODI વર્લ્ડ કપ ફાઇનલમાં ધોનીએ જે બેટથી વિજયી છગ્ગો ફટકાર્યો હતો તેની હરાજીમાં રેકોર્ડ કિંમત પણ મળી હતી. ધોનીનું આ ઐતિહાસિક બેટ 1,00,000 પાઉન્ડ એટલે કે 1 થી 1.5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું. આ બેટ વિશ્વના સૌથી મોંઘા ક્રિકેટ બેટની યાદીમાં પણ સામેલ છે. નોંધનીય છે કે ધોનીએ હરાજીની બધી રકમ તેની પત્ની સાક્ષીના ફાઉન્ડેશન સાક્ષી ફાઉન્ડેશનને દાનમાં આપી હતી, જે ગરીબ બાળકોને મદદ કરે છે.