વિનેશ ફોગાટ ફાઇનલમાં હારી, જીત્યો સિલ્વર મેડલ
ભારતને આ સ્પર્ધામાં બે ગોલ્ડ અને ચાર સિલ્વર સહિત કુલ છ મેડલ મળ્યા છે.
સોફિયા (બુલ્ગારિયા): ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ અહીં ડેન કોલોવ-નિકોલા પેટ્રોવ રેન્કિંગ સિરીઝ આંતરરાષ્ટ્રીય મીટની ફાઇનલમાં હારી ગઈ હતી. તેણે સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો છે. ગોલ્ડ મેડલના મુકાબલામાં તેને ચીનની કિયાનયૂ પંગે 2-1થી હરાવી હતી. કિયાનયૂએ ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતીય રેસલરોએ આ સ્પર્ધામાં બે ગોલ્ડ અને ચાર સિલ્વર મેડલ જીત્યા છે.
બજરંગ પૂનિયાએ પુરૂષ 65 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ અને પૂજા ઢાંડાએ મહિલા 59 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. તો વિનેશ સિવાય સરિતા દેવીએ મહિલા 59 કિલો અને સાક્ષી મલિકે મહિલા 65 કિલો તથા સંદીપ તોમરે પુરૂષ 61 કિલો ફ્રીસ્ટાઇલમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યા હતા.
કોમનવેલ્થ ગેમ્સ અને એશિયાડમાં ગોલ્ડ તથા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનારા બજરંગે કહ્યું, હું આ મેડલ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને સમર્પિત કરૂ છું. તે મારા માટે પ્રેરણા છે. ક્યારેક તેમને મળીને હાથ મિલાવવા ઈચ્છીશ.