)
Car Price Hike : BMW ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે 1 સપ્ટેમ્બર, 2025થી તેમની કાર મોંઘી થશે. કંપનીએ તમામ મોડેલોના ભાવમાં 3% સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે આ ત્રીજો ભાવ વધારો હશે. અગાઉ જાન્યુઆરી અને એપ્રિલમાં પણ ભાવમાં વધારો થયો છે. ત્રણ વધારા પછી BMW કાર અત્યાર સુધીમાં લગભગ 10% મોંઘી થઈ છે.
BMW કારના ભાવ કેમ વધી રહ્યા છે ?
કંપનીના મતે આ વધારાનું સૌથી મોટું કારણ ડોલર-રૂપિયામાં વધઘટ, વાહનો બનાવવા માટે સામગ્રી અને પરિવહનનો ખર્ચમાં વધારો અને સપ્લાય ચેઇન સમસ્યાઓ છે. આ બધાની સીધી અસર ઉત્પાદન ખર્ચ પર પડી છે, જેનો બોજ ગ્રાહકો પર પડી રહ્યો છે.
BMW કારના વર્તમાન ભાવ
ભારતમાં BMWની સૌથી સસ્તી કાર 2 સિરીઝ ગ્રાન કૂપ છે, જેની કિંમત 46.90 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે. તો કંપનીની હાઇ-પર્ફોર્મન્સ SUV XMની કિંમત 2.60 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે.
ભારતમાં વેચાતા BMW મોડેલ્સ
BMW ભારતમાં ઘણા મોડેલ્સ વેચે છે. કંપની સ્થાનિક રીતે તેના તમિલનાડુ પ્લાન્ટમાં 2 સિરીઝ ગ્રાન કૂપ, 3 સિરીઝ લોંગ વ્હીલબેઝ, 5 સિરીઝ લોંગ વ્હીલબેઝ, 7 સિરીઝ, X1, X3, X5, X7, M340i અને iX1 લોંગ વ્હીલબેઝ જેવા મોડેલ્સ એસેમ્બલ કરે છે. તો ભારતીય બજારમાં કેટલાક મોડેલ્સ સંપૂર્ણપણે આયાતી (CBU તરીકે) ઓફર કરવામાં આવે છે, જેમાં i4, i5, i7, i7 M70, iX, Z4 M40i, M2 કૂપ, M4 કોમ્પિટિશન, M4 CS, M5, M8 કોમ્પિટિશન કૂપ અને XMનો સમાવેશ થાય છે.
ભાવ વધારો છતાં મજબૂત વેચાણ
રસપ્રદ વાત એ છે કે, ભાવ વધારા છતાં BMW ઇન્ડિયાના વેચાણ પર કોઈ ખાસ અસર થઈ નથી. વર્ષ 2025ના પ્રથમ છ મહિનામાં, કંપનીએ રેકોર્ડ વેચાણ નોંધાવ્યું હતું અને બીજા છ મહિનામાં પણ સારા પરિણામોની અપેક્ષા રાખી રહી છે. જે BMWના પ્રીમિયમ ગ્રાહક આધાર અને મજબૂત બ્રાન્ડ મૂલ્ય દર્શાવે છે.
તહેવારો દરમિયાન નવા મોડેલ અને ઓફર્સ
ભાવ વધારા છતાં BMW આ તહેવારોની સીઝનને ખાસ બનાવવાની યોજના બનાવી રહી છે. કંપની ઘણા નવા અને પાવરફુલ મોડેલો લોન્ચ કરશે. આ સાથે ગ્રાહકોને સરળ EMI પ્લાન, લીઝિંગ વિકલ્પો અને બાય-બેક ઓફર પણ આપવામાં આવશે. તેનો અર્થ એ કે કિંમતો ચોક્કસપણે વધશે, પરંતુ ગ્રાહકો માટે ખરીદી કરવાનું સરળ બનાવવામાં આવશે.