ડેટા લીક મામલે સરકારે ફેસબુકને નોટિસ ફટકારી, 7 એપ્રિલ સુધીમાં આપવો પડશે જવાબ

સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુકમાંથી 5 કરોડ યૂઝર્સનો ડેટા લીક થયા બાદ ભારત સરકારે ફેસબુકને નોટિસ ફટકારી છે.

ડેટા લીક મામલે સરકારે ફેસબુકને નોટિસ ફટકારી, 7 એપ્રિલ સુધીમાં આપવો પડશે જવાબ

નવી દિલ્હી: સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુકમાંથી 5 કરોડ યૂઝર્સનો ડેટા લીક થયા બાદ ભારત સરકારે ફેસબુકને નોટિસ ફટકારી છે. આ નોટિસ આઈટી મંત્રાલય તરફથી ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને મોકલવામાં આવી છે. ઝુકરબર્ગને આ નોટિસનો 7 એપ્રિલ સુધીમાં જવાબ આપવા જણાવાયું છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ 5 કરોડ યૂઝર્સનો ડેટા લીક થવાના અહેવાલો આવ્યાં હતાં. ત્યારબાદ અમેરિકા સહિત યૂરોપીયન યુનિયને પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. 2.2 અબજ યૂઝરવાળી ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે પણ સ્વીકાર્યું હતું કે તેમની કંપનીની ભૂલ થઈ છે. ત્યારબાદ ઝુકરબર્ગે કાયદેસર રીતે યૂઝર્સ પાસે માફી પણ માંગી હતી.

કેન્દ્રીય મંત્રીએ આપી હતી ચેતવણી
આ અગાઉ ફેસબુકના ડેટા ચોરી મામલે આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે પણ ફેસબુકને આકરી ચેતવણી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ સખત શબ્દોમાં કહ્યું હતું કે ફેસબુક તરફથી ખોટી રીતે ભારતની ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાના કોઈ પણ પ્રયાસને સહન કરવામાં આવશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે જો જરૂર પડી તો ફેસબુક જેવા સોશિયલ મીડિયા મંચો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ ફેસબુકની સાથે સાથે કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી.

સાઈબર સુરક્ષા એજન્સીએ કર્યા અલર્ટ
બીજી બાજુ આ સમગ્ર મામલે ઓનલાઈન ડેટા ચોરી વિરુદ્ધ ઈન્ટરનેટ યૂઝર્સને સતર્ક કરતા ભારતીય સાઈબર સુરક્ષા એજન્સીએ પણ યૂઝર્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના મતની પ્રાથમિકતાઓ અને આધારકાર્ડની જાણકારીઓ શેર ન કરવા જણાવ્યું હતું. હેકિંગ અને જાસૂસી જેવી બાબતોને પહોંચી વળવા માટે દેશની નોડલ એજન્સી કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઈન્ડિયા (સીઈઆરટી-ઈન)એ એક એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરીમાં ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા યૂઝર્સને આ સાઈટો કે મોબાઈલ એપ પર પોતાની ખાનગી જાણકારી શેર ન કરવા માટે જણાવાયું છે.

ગોપનીય જાણકારી શેર ન કરવાની સલાહ
સીઈઆરટી-ઈને જણાવ્યું કે યૂઝર્સે સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ પર અધિકૃત ડેટા કે અંગત ગોપનીય જાણકારીઓ શેર કરવી જોઈએ નહીં. એડવાઈઝરીમાં કહેવાયું છે કે સોશિયલ મીડિયા યૂઝર્સે જે જાણકારીઓને ખાનગી સુરક્ષા માટે ગોપનીય રાખવામાં આવે છે તેવી પોતાના મતની પ્રાથમિકતાઓ, પિન નંબર, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ, બેંક, પાસપોર્ટ, આધાર કાર્ડની જાણકારીઓ તથા અન્ય તમામ જાણકારીઓ ક્યારેય શેર કરવી જોઈએ નહીં.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news