)
જો તમે ફેસ્ટિવ સિઝનમાં Honda ની નવી બાઇક કે સ્કૂટર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. હોંડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI) એ જાહેરાત કરી છે કે તે વસ્તુ તથા સેવા કરમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકોને આપશે. આ જાહેરાત બાદ હોન્ડાના વિવિધ ટૂ-વ્હીલરની ખરીદી પર મોટી બચત થશે.
તાજેતરમાં જીએસટી કાઉન્સિલે 350cc સુધીના એન્જિનવાળા ટૂ-વ્હીલર વાહનો પર જીએસટી 28 ટકાથી ઘટાડી 18 ટકા કર્યો છે. આ મોટી જાહેરાત પછી, હોન્ડાએ તેના ગ્રાહકોને રાહત આપતા તેની સમગ્ર પ્રોડક્ટ રેન્જની કિંમતો ઘટાડવાનો નિર્ણય લીધો છે. કંપનીના આ પગલાથી માત્ર શહેરી જ નહીં પરંતુ ગ્રામીણ બજારોમાં પણ વાહનોના વેચાણમાં વધારો થવાની અપેક્ષા છે.
હોન્ડા મોટરસાયકલના સેલ્સ અને માર્કેટિંગ ડિરેક્ટર યોગેશ માથુરે જણાવ્યું હતું કે, "અમે ભારત સરકારના આ GST સુધારાનું સ્વાગત કરીએ છીએ. આ પગલું ફક્ત વ્યક્તિગત ગતિશીલતામાં સુધારો કરશે નહીં પરંતુ આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન આપશે. ટુ-વ્હીલર અને સ્પેરપાર્ટ્સ પર GSTમાં ઘટાડો એક સમયસર અને દૂરંદેશી પગલું છે, જે વાહનોને વધુ સસ્તા બનાવશે."
તેમણે આગળ કહ્યું કે HMSI આ ઘટાડાનો લાભ પોતાના ગ્રાહકો સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. આ માત્ર ગ્રાહકો માટે નહીં પરંતુ ડીલરો, સપ્લાયર્સ અને સ્થાનીક વ્યવસાયો સહિત સંપૂર્ણ વેલ્યુ ચેન માટે ફાયદાકારક છે.
ક્યા મોડલ પર કેટલી છૂટ?
કંપનીના દિલ્હી એક્સ-શોરૂમ કિંમતોના આધાર પર દરેક મોડલ પર મળનાર ફાયદાનું લિસ્ટ જાહેર કર્યું છે. જુઓ તમારા પસંદગીના સ્કૂટર પર કેટલી બચત થઈ રહી છે.
| મોડલ | મહત્તમ GST લાભ (એક્સ-શોરૂમ દિલ્હી) |
|---|---|
| Activa 110 | ₹7,874 સુધી |
| Dio 110 | ₹7,157 સુધી |
| Activa 125 | ₹8,259 સુધી |
| Dio 125 | ₹8,042 સુધી |
| Shine 100 | ₹5,672 સુધી |
| Shine 100 DX | ₹6,256 સુધી |
| Livo 110 | ₹7,165 સુધી |
| Shine 125 | ₹7,443 સુધી |
| SP125 | ₹8,447 સુધી |
| CB125 Hornet | ₹9,229 સુધી |
| Unicorn | ₹9,948 સુધી |
| SP160 | ₹10,635 સુધી |
| Hornet 2.0 | ₹13,026 સુધી |
| NX200 | ₹13,978 સુધી |
| CB350 H'ness | ₹18,598 સુધી |
| CB350RS | ₹18,857 સુધી |
| CB350 | ₹18,887 સુધી |
કંપનીએ એમ પણ જણાવ્યું છે કે ગ્રાહકો માટે સંતુલિત અભિગમ સુનિશ્ચિત કરવા માટે તે તેની પ્રીમિયમ મોટરસાયકલો પર નવા 40% GST સ્લેબની અસરનું મૂલ્યાંકન કરી રહી છે. તમારા પસંદગીના મોડેલ પર ચોક્કસ ડિસ્કાઉન્ટ વિગતો માટે, તમે તમારી નજીકની અધિકૃત હોન્ડા ડીલરશીપની મુલાકાત લઈ શકો છો.