)
Maruti GST Price Cut : દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ આજે તેની કારના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જાહેર કર્યો છે. કંપનીએ જાહેરાત કરી છે કે મારુતિ વેગન આરથી લઈને અલ્ટો અને ઇગ્નિસ જેવી નાની કારના ભાવમાં રૂપિયા 1.29 લાખ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ભાવ ઘટાડો 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
મારુતિ સુઝુકી દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે તાજેતરના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સુધારાના ફાયદા સીધા ગ્રાહકોને આપવામાં આવશે. આના ભાગ રૂપે, કંપનીએ તેના પોર્ટફોલિયોમાં મોડેલો પર ભાવ ઘટાડાની જાહેરાત કરી છે. ચાલો જોઈએ કે દરેક કારના ભાવમાં કેટલો ઘટાડો થયો છે.
મારુતિ સુઝુકીની કારના ભાવમાં ઘટાડો
મારુતિ સુઝુકીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ભાવમાં ઘટાડો તાજેતરના GST સુધારાઓને અનુરૂપ છે. કિંમતમાં ઘટાડો વાહનના ફીચર્સ અથવા ટેકનોલોજીમાં કોઈ ફેરફારને પ્રતિબિંબિત કરતો નથી.
અન્ય કારની કિંમતમાં ઘટાડો
મારુતિ સુઝુકીએ તેની ફેમસ કાર સ્વિફ્ટ પર રૂપિયા 84,600ના ભાવ ઘટાડાની જાહેરાત કરી છે. શરૂઆતની કિંમત હવે માત્ર રૂપિય 5.79 લાખ છે. નોંધનીય છે કે ત્રીજી પેઢીની સ્વિફ્ટ તાજેતરમાં લોન્ચ કરવામાં આવી હતી. તો આ કાર રૂપિયા 6.49 લાખમાં રજૂ કરવામાં આવી હતી. તો મારુતિ વેગન આરની કિંમતમાં 79,600 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે તેની કિંમત રૂપિયા 4,98,900 થઈ ગઈ છે.
વધુમાં બલેનોની કિંમતમાં રૂપિયા 86,100નો ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી તેની શરૂઆતની કિંમત માત્ર રૂપિયા 5.99 લાખ થઈ ગઈ છે. તાજેતરમાં લોન્ચ થયેલી મારુતિ ડિઝાયર, કંપનીની પહેલી 5-સ્ટાર સેફ્ટી રેટેડ કારની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ કારની કિંમતમાં મહત્તમ રૂપિયા 87,700નો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે મારુતિ ડિઝાયર ફક્ત 6.26 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતે ઉપલબ્ધ છે.
યુટિલિટી વ્હીકલ રેન્જમાં નોંધપાત્ર ઘટાડો
મારુતિ સુઝુકીએ પણ તેની SUV અને MPV રેન્જમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. કંપનીની સૌથી સસ્તી SUV, Fronxની કિંમતમાં 1,12,600 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે Fronxની શરૂઆતી કિંમત 6.85 લાખ રૂપિયા છે. વધુમાં બ્રેઝાની કિંમતમાં રૂપિયા 1,12,700 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે, તમે રૂપિયા 8.26 લાખની શરૂઆતી કિંમતે બ્રેઝા ઘરે લાવી શકો છો.