)
ઓક્ટોબર મહિનામાં તહેવારની સીઝન હતી અને દેશની મોટી ઓટો કંપનીઓ મારુતિ, હ્યુન્ડાઈ, મહિન્દ્રા અને ટાટાના વાહનોના વેચાણમાં નંબર વન બનવાની જાણે રેસ જોવા મળી હતી. ત્યારે ટાટાની એક ગાડી એવી હતી જેણે બધી ગાડીઓને પાછળ છોડી દીધી અને ઓક્ટોબર મહિનામાં વેચાણના મામલે ટોપ કાર બની ગઈ. સતત બીજા મહિને આ કોમ્પેક્ટ SUVએ ચાર્ટમાં ટોપ કર્યું. કંપનીએ ઓક્ટોબરમાં 22,083 યુનિટ વેચ્યા જ્યારે સપ્ટેમ્બરમાં પણ આ આંકડો 22,573 યુનિટ્સ હતું.
ટાટાની કાર ટોપ પર
ટાટાની Nexon લાંબા સમયથી ટાટા મોટર્સની બેસ્ટ સેલિંગ કાર રહી છે. આ SUV સતત ગ્રાહકોની પહેલી પસંદ બનેલી છે કારણ કે તે સુરક્ષા, સ્ટાઈલ અને વેરાઈટી ત્રણેયમાં બેલેન્સ જાળવે છે. FY22, FY23 અને FY24 ત્રણેય નાણાકીય વર્ષોમાં તે ભારતની સૌથી વધુ વેચાયેલી એસયુવી બની હતી. FY25 માં ભલે વોલ્યુમ થોડું ઘટીને 1.63 લાખ યુનિટ્સ રહ્યું પરંતુ તે હજુ પણ માર્કેટમાં ટોપ પર છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2025 વચ્ચે જ આ કારના લગભઘ 90,000 યુનિટ્સ વેચાયા હતા અને તહેવારોના મહિનામાં ઓક્ટોબરે તેને વધુ મજબૂતી આપી.
નેક્સોનના વેચાણમાં ઉછાળનું એક મોટું કારણ GST રેટમાં કાપ અને કંપની દ્વારા અપાયેલી આકર્ષક ઓફર્સનો ફાળો રહ્યો. નવા ટેક્સ સ્ટ્રક્ચર્સ હેઠળ નેક્સોનના ભાવમાં ₹1.55 લાખ સુધીનો ઘટાડો થયો છે. ટાટાએ સપ્ટેમ્બરની છૂટ ઓફરને ઓક્ટોબર સુધી વધારી જેાથી ગ્રાહકોમાં બુકિંગ વધ્યું. હવે આ SUV ₹7.32 (એક્સ શોરૂમ)થી શરૂ થાય છે. જેનાથી તે અનેક પ્રાઈઝ સેગમેન્ટના ખરીદારો માટે સુલભ થઈ.
ટાટા નેક્સોન અનેક એન્જિન ઓપ્શનમાં આવે છે. 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન, 1.5 લીટર ડીઝલ એન્જિન, પેટ્રોલ-સીએનજી (બાઈ-ફ્યૂલ) વિકલ્પ, જેમાં ટાટાની ટ્વિન સિલિન્ડર ટેક્નોલોજી અપાઈ છે જેથી કરીને બૂટ સ્પેસ ઓછો ન થાય. આ સાથે જ તેનું ઈલેક્ટ્રિક વર્ઝન Nexon.ev પણ ખુબ લોકપ્રિય છે. જેમાં બે બેટરી ઓપ્શન 30kWh અને 45kWh મળે છે. નાની બેટરી લગભગ 210-230 કિલોમીટર, જ્યારે મોટી બેટરી 350-375 કિલોમીટરની રિયલ વર્લ્ડ રેન્જ આપે છે.
Nexon ને Bharat NCAP માં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળે છે. પેટ્રોલ-ડીઝલ બંને મોડલ્સની સાથે સાથે EV વર્ઝન માટે પણ. એસયુવીમાં 6 એરબેગ, ESP, LED હેડલેમ્પ, વેન્ટિલેટેડ સીટ્સ, 10.25 ઈંચ ટચસ્ક્રીન, ડિજિટલ ક્લસ્ટર અને 360° કેમેરા જેવા પ્રીમિયમ ફીચર્સ મળે છે. એટલે કે સુરક્ષાની સાથે સ્ટાઈલ અને ટેક્નોલોજી બંનેનું ફૂલ પેકેજ.
કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં નેક્સોનની સામે અનેક મોટા નામ છે. Maruti Brezza, Hyundai Venue, Mahindra XUV 3XO, Kia Sonet અને Skoda Kylaq. પરંતુ ટાટાએ કિંમત ઘટાડીને ફીચર્સ વધારીને તથા સેફ્ટી રેટિંગના દમ પર આ તમામને પાછળ છોડી છે. સતત બે મહિના સુધી ટોપ સેલિંગ કાર બનીને નેક્સોને સાબિત કર્યું કે ભારતીય બજારમાં હવે સુરક્ષિત અને વેલ્યુ ફોર મની કારોની ડિમાન્ડ વધી છે.
ટાટા નેક્સોને સપ્ટેમ્બર બાદ ઓક્ટોબર 2025માં પણ ભારતની સૌથી વધુ વેચાયેલી કારનો ખિતાબ જાળવી રાખ્યો છે. કિંમતમાં ઘટાડો, સેફ્ટી ફીચર્સ અને દરેક બજેટમાં ફીટ વેરાયટીએ તેને ફરીથી માર્કેટની હીરો બનાવી છે. ભારતના કાર બજારમાં હવે નેક્સોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સુરક્ષા અને સાદગીમાં પણ સ્ટાઈલ છે.