ખેડૂતોની આતુરતાનો આવ્યો અંત, સરકારે જાહેર કર્યું ઐતિહાસિક સહાય પેકેજ, વિસ્તૃત માહિતી જાણો

માવઠાનો સૌથી મોટો માર સહન કરીને બેઠેલા તાત માટે આખરે સરકારે ઐતિહાસિક પેકેજની જાહેરાત કરી દીધી છે. CM ભૂપેન્દ્ર પટેલે કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત કૃષિમંત્રી અને નાણામંત્રી સાથે સમીક્ષા બેઠક કરી, જે બાદ ખેડૂતોની વ્યથાને સમજીને સૌથી મોટો નિર્ણય કર્યો અને ખેડૂતો માટે પાક નુકસાની સામે 10 હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત કરી. ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. માવઠા બાદ તાત્કાલિક મુખ્યમંત્રીએ નેતાઓને ખેડૂતોની વચ્ચે જઈ ખેડૂતોના પાક નુકસાનની સમીક્ષા કરવા માટે આદેશ કર્યો, સાથે જ ખુદ મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ખેડૂતોની વ્યથા જાણી... સરકારે 10 હજારના પાક નુકસાનના સહાય પેકેજની જાહેરાતની સાથે સાથે 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવાનો પણ નિર્ણય કર્યો છે. ખેડૂતો નવા પાકની વાવણી માટે સહાય પેકેજની રાહ જોઈને બેઠા હતા. ત્યારે જગતના તાતને સહાયનો ટેકો આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 હજાર કરોડના સહાયની જાહેરાત કરી છે... સરકારની આ સહાયથી માવઠાના મારથી નિરાશ ખેડૂતોને ચોક્કસ ફાયદો થશે.. 

Trending news