મહેસાણા: દૂધ સાગર ડેરીમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી
દૂધ સાગર ડેરીમાં ચેરમેન, વાઈસ ચેરમેનની નિમણૂંક કરાઈ છે. ચેરમેન તરીકે અશોક ચૌધરીની રિપીટ કરાયા છે. તો વાઈસ ચેરમેન તરીકે દશરથ પટેલની નિમણૂંક કરાઈ છે. આ સાથે જ દૂધસાગર ડેરીના રાજકારણમાં પાટીદાર ફાવી ગયા અને ઠાકોરોની મનની મનમાં રહી ગઈ જેવો ઘાટ સર્જાયો છે. જ્યાં દૂધસાગર ડેરીનું નામ આવે અને વિવાદોનું દૂધ ના ઉભરાય એવું બને જ નહીં! દૂધસાગર ડેરીમાં ચૂંટણી પહેલા જ ડખાના ખેલ શરૂ થયા હતા. દૂધસાગર ડેરીમાં અશોક ચૌધરી પહેલેથી જ નિશ્ચિત હતા, પરંતું વાઈસ ચેરમેનના પદ માટે પાટીદાર અને ઠાકોર સમાજ વચ્ચે ખરાખરીનો ખેલ હતો. બંને સમાજના લોકોએ પોતાના પ્રતિનિધિ હોય તેવી માંગ કરી હતી. ત્યારે દૂધસાગર ડેરીના રાજકારણમાં પટેલો ફાવી ગયા છે. વાઈસ ચેરમેન તરીકે દશરથ પટેલની નિમણૂંક કરતા ઠાકોર સમાજની મનની મનમાં રહી ગઈ હતી. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોતાના સમાજને સહકારી ક્ષેત્રમાં સ્થાન મળે તેવી માંગ કરી હતી. પરંતું તેવું ન થયુ. આખરે ડેરીના વાઈસ ચેરમેન તરીકે પાટીદાર હોદ્દેદાર ફાવી ગયા હતા.



















