મુંબઈથી 90 કિલોમીટર અને વલસાડથી આશરે 250 કિમીના અંતરે એક ટબુકડું પણ જબરદસ્ત હિલ સ્ટેશન આવેલું છે.
આ એક એવું હિલ સ્ટેશન છે જે ભારતનું કદાચ સૌથી નાનું અને એશિયાનું એકમાત્ર ઓટોમોબાઈલ ફ્રી હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશન છે માથેરાન.
માથેરાન એટલે કે કપાળ પરનું જંગલ! ફરવાના શોખીનો માટે સ્વર્ગ જેવું છે. અહીં જવા માટે ટોય ટ્રેનનો ઉપયોગ રોમાંચક બની રહે છે.
નેરળથી માથેરાન સુધી જાઓ ત્યારે પર્વતમાળામાંથી પસાર થતા જંગલો અને જીવ સૃષ્ટિનો જે નજારો માણવા જેવો છે તે અદભૂત છે.
નાનો વિસ્તાર, અપાર સૌંદર્ય ધરાવતા માથેરાનનો કુલ વિસ્તાર તો આઠ ચોરસ કિલોમીટર જેટલો પણ નથી. પણ ફરવા લાયક સ્થળો ઘણા બધા છે.
અહીં ઈકો પોઈન્ટ, શાર્લેટ લેક, લોર્ડ પોઈન્ટ, લુઈસા પોઈન્ટ, મંકી પોઈન્ટ, એલેક્ઝાન્ડર પોઈન્ટ, રામબાગ, હાર્ટ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ, પિસરનાથ મહાદેવ, વનટ્રી પોઈન્ટ વગેરે આકર્ષણના કેન્દ્રો છે.
ઈકોફ્રેન્ડલી ઝોન હોવાથી માથેરાનમાં વાહનો પર પ્રતિબંધ છે. પ્રવાસીઓ ઘોડા, હાથગાડીનો ઉપયોગ કરીને ફરી શકે છે.
જો તમે તમારા વાહનો લઈને આવો તો દસ્તુરી નાકા પર પાર્ક કરીને આગળ જવા માટે ઘોડા, ઈ-રિક્ષા વગેરેનો ઉપયોગ કરી શકો છો. ટોય ટ્રેન તમને તેના રેલવે સ્ટેશન નેરલથી માથેરાન પહોંચાડશે.
શહેરની ભાગદોડથી દૂર અને પ્રદૂષણથી રાહત મેળવવા માટે તથા કુદરતના અદભૂત નજારા જોવા માટે આ હિલસ્ટેશન બેસ્ટ છે.
અહીં તમને સૌથી વધારે મજા શિયાળા અને ચોમાસાની ઋતુમાં આવે.