)
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત વિશ્વના તમામ દેશોને એકવાર ફરીથી ટેરિફનો મોટો ઝટકો આપ્યો છે. મળતી માહિતી મુજબ ટ્રમ્પે હવે અમેરિકાને નિકાસ થનારી તમામ ફાર્મા ઉત્પાદકો પર 100 ટકા ટેરિફ લગાવ્યો છે. આ અગાઉ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત સહિત દુનિયાભરના 150થી વધુ દેશો પર 10થી 50 ટકા ટેરિફ લગાવેલો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી. ટ્રમ્પે લખ્યું કે 1 ઓક્ટોબર 2025થી અમે કોઈ પણ બ્રાન્ડેડ કે પેટન્ટેડ દવા પ્રોડક્ટ્સ પર 100 ટકા ટેરિફ લગાવીશું. ટ્રમ્પે શરત લગાવી છે કે કોઈ કંપની અમેરિકામાં પોતાનો દવા પ્લાન્ટ સ્થાપિત ન કરી રહી હોય તો આ ટેરિફ લાગશે પરંતુ જો નિર્માણ શરૂ થયું હોય તો આ દવા પ્રોડક્ટ્સ પર કોઈ ટેરિફ લાગશે નહીં. આ મામલે ધ્યાન આપવા બદલ આભાર!
આ સામાન ઉપર પણ ટ્રમ્પે લગાવ્યો ભારે ભરખમ ટેરિફ
અત્રે જણાવવાનું કે ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે વિદેશી ફાર્મા ઉત્પાદનો પર આયાત કર 250 ટકા સુધી વધી શકે છે. મળતી માહિતી મુજબ ટ્રમ્પે આયાતી કિચન કેબિનેટ અને કેટલાક પ્રકારના ફર્નિચર સહિત વિવિધ ઘરેલુ ઉત્પાદનો ઉપર પણ વ્યાપક ટેરિફની જાહેરાત કરી છે. સીએનએનના રિપોર્ટ મુજબ ટ્રમ્પે ભારે ટ્રકો ઉપર પણ ટેરિફની જાહેરાત કરી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે અમે 1 ઓક્ટોબર 2025થી તમામ કિચન કેબિનેટ્સ, બાથરૂમ વેનિટિઝ અને સંબંધિત ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ લગાવીશું. વધુમાં અમે અપહોલ્સ્ટર્ડ ફર્નીચર પર 30 ટકા ટેરિફ લગાવીશું.
સીએનએન મુજબ ટ્રમ્પે કહ્યું કે વિદેશી નિર્માતાઓએ અમેરિકી બજારમાં જરૂરિયાત કરતા વધુ આપૂર્તિ કરી છે અને અમેરિકી વિનિર્માણ ક્ષમતાને ફરીથી મેળવવા માટે ટેરિફ જરૂરી હતા. ટ્રમ્પે કહ્યું કે આ એક ખુબ જ અયોગ્ય વ્યવહાર છે પરંતુ આપણે રાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય કારણોસર આપણી વિનિર્માણ પ્રક્રિયાની રક્ષા કરવી જોઈએ. આ બધા વચ્ચે વેપાર વાર્તામાં વિલંબ બાદ ઓગસ્ટમાં ડઝનો જેટલા દેશો માટે નવા ટેરિફ દર લાગૂ થયા. જેમાં ભારતીય વસ્તુઓ પર 50 ટકા ટેરિફ, જેમાં રશિયા સાથે વેપાર બદલ વધારાનો 25 ટકા ટેરિફ પણ સામેલ છે, બ્રાઝીલિયન વસ્તુઓ પર 50 ટકા ટેરિફ, દક્ષિણ આફ્રિકી વસ્તુઓ પર 30 ટકા ટેરિફ વિયેતનામી વસ્તુઓ પર 20 ટકા ટેરિફ, જાપાની વસ્તુઓ પર 15 ટકા ટેરિફ, દક્ષિણ કોરિયન વસ્તુઓ પર 15 ટકા ટેરિફ સામેલ છે.