મદદ પહોંચી રહી છે, સંસ્થાઓ પર કબજો કરો... ઈરાન સાથેની વાતચીત રદ કરી ટ્રમ્પે પ્રદર્શનની આગમાં હોમ્યું ઘી
Iran Protests: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં પ્રદર્શનની આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું છે કે, પ્રદર્શનકારીઓ સંસ્થાઓ પર કબજો કરે, મદદ પહોંચી રહી છે. આ ઉપરાંત તેમણે ઈરાન સાથેની વાતચીત પણ રદ કરી દીધી છે.
Trending Photos
)
Iran Protests: ઈરાનમાં સતત ઉગ્ર બની રહેલા સત્તા વિરોધી પ્રદર્શન અને ઈસ્લામિક રિપબ્લિકના દમનકારી પગલાં વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે દખલ કરવાનું પૂરેપૂરું મન બનાવી લીધું છે. તેમણે ઈરાનના પ્રતિનિધિઓ સાથેની વાતચીત રદ કરીને પ્રદર્શનકારીઓનું મનોબળ વધારતા આગમાં ઘી હોમ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાનની જનતા સંસ્થાઓ પર કબજો કરે, અહીંથી મદદ પહોંચી રહી છે. તેમના આ નિવેદનથી લાગે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ગમે ત્યારે ઈરાનમાં ઓપરેશન કરી શકે છે.
2,000 લોકોના થઈ ચૂક્યા છે મોત
રાષ્ટ્રપતિ ટ્રમ્પે મંગળવારે મદદનું સ્વરૂપ શું હશે તેના અંગે વિગતો આપી નથી. ઈરાનમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં મરનારાઓની સંખ્યા મંગળવારે વધીને ઓછામાં ઓછી 2,000 થઈ ગઈ છે, કારણ કે અધિકારીઓ દ્વારા દમનકારી કાર્યવાહી દરમિયાન સંચાર વ્યવસ્થા (Communication) ઠપ કરી દીધા બાદ ઈરાનીઓએ ઘણા દિવસોમાં પહેલીવાર વિદેશમાં ફોન કર્યા હતા. ઈરાનમાં આ સ્તરની હિંસા ઘણા દાયકાઓથી જોવા મળી નથી.
અમેરિકા કરી શકે છે હુમલો
નિષ્ણાતોનું માનીએ તો અમેરિકા માટે ઈરાન પર હુમલો કરવો એ કોઈ મોટી વાત નથી. હાલમાં જ અમેરિકાએ વેનેઝુએલામાં ઘૂસીને તેના રાષ્ટ્રપતિને કિડનેપ કરી લીધા હતા. બીજી તરફ જૂનમાં જ્યારે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું, ત્યારે પણ અમેરિકાએ ઓપરેશન ચલાવીને તેના પરમાણુ મથકોને તબાહ કરી દીધા હતા. આવી સ્થિતિમાં રાતોરાત ઈરાનમાં મોટું અભિયાન ચલાવવું અમેરિકા માટે મુશ્કેલ નથી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ અનેકવાર ઈરાનને ધમકી આપી ચૂક્યા છે. રવિવારે ઈરાની મીડિયાના રિપોર્ટમાં સામે આવ્યું કે, સુપ્રીમ લીડર અલી ખામેનેઈએ પોતાની સેનાને ફાયરિંગ કરવાની પણ પરવાનગી આપી દીધી છે. આવામાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓના મોત થઈ રહ્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાન પ્રદર્શનકારીઓને કચડવાનું બંધ કરે, નહીંતર આ ભારે પડવાનું છે. મિસાઈલ અને પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા સાથે ઈરાનનો વિવાદ લાંબા સમયથી ચાલી જ રહ્યો છે. આ ઉપરાંત ઈરાન સમર્થિત અનેક કટ્ટરપંથી જૂથો પણ અમેરિકા વિરુદ્ધ ઝેર ઓકે છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઈરાનને પાઠ ભણાવવા માટે તકની જ રાહ જોઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઈરાન પર મોટો આર્થિક હુમલો કરી દીધો છે. તેમણે ઈરાન સાથે વેપાર કરનારા દેશો પર 25 ટકા વધારાનો ટેરિફ લગાવી દીધો છે. આ યાદીમાં ચીન, UAE, તુર્કી, બ્રાઝિલ અને રશિયા સામેલ છે જેઓ તેહરાન સાથે વધુ વેપાર કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














