)
US China Tariff War: અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર સતત ગાઢ બની રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીના એક દિવસ બાદ વ્હાઇટ હાઉસે ચીન પર 104% ટેરિફ લાદવાની પુષ્ટિ કરી છે. ચીન પર નવી વધેલી ટેરિફ આવતીકાલ એટલે કે 9મી એપ્રિલથી અમલમાં આવશે.
ફોક્સ બિઝનેસના રિપોર્ટ અનુસાર વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું છે કે, ચીને તેની જવાબી કાર્યવાહી પાછી ખેંચી ન હોવાથી વધારાના 104% ટેરિફ લાદવામાં આવશે. આ વધારાનો ટેરિફ 9 એપ્રિલથી વસૂલવામાં આવશે.
ટ્રમ્પે ચીનને આપી હતી ચેતવણી
નોંધનીય છે કે, 2 એપ્રિલની જાહેરાતમાં ટ્રમ્પે ચીન સહિત 180 દેશો પર છૂટછાટના પારસ્પરિક ટેરિફ લગાવ્યા હતા, જેના જવાબમાં ચીને પણ અમેરિકા પર ટેરિફ લગાવ્યો હતો. ટ્રમ્પે આ ટેરિફને લઈને ચીનને સ્પષ્ટ ચેતવણી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, જો ચીન 8 એપ્રિલ સુધી અમેરિકા પર લગાવવામાં આવેલ ટેરિફ હટાવશે નહીં તો તેના પર વધારાના 50 ટકા ટેરિફ લાદવામાં આવશે. એટલું જ નહીં, ચીન દ્વારા પ્રસ્તાવિત કોઈપણ બેઠક પરની વાતચીત પણ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવશે.
ચીને ઝુકવાની ના પાડી
ટ્રમ્પની ચેતવણીનો જવાબ આપતા ચીને કહ્યું કે, અમે કોઈપણ સંજોગોમાં અમેરિકાના દબાણ સામે ઝૂકીશું નહીં. ચીને કહ્યું કે, અમે વેપાર યુદ્ધનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. ચીને સોમવારે અમેરિકા પર ટેરિફ દ્વારા આર્થિક વર્ચસ્વ મેળવવાનો આરોપ લગાવ્યો હતો. હવે અમેરિકાએ ચીન પર 104 ટકા ટેરિફની જાહેરાત કરતા બન્ને દેશો વચ્ચેનું ટ્રેડ વોર એક નવા તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યું છે.
ચીને લગાવ્યો 34%નો જવાબી ટેરિફ
ટ્રમ્પે 2 એપ્રિલે ચીન પર 34 ટકા ટેરિફ લાદ્યો હતો, ત્યારબાદ અમેરિકામાં તમામ ચીની આયાત પર ટેરિફ રેટ વધીને 54 ટકા થઈ ગયો હતો. હવે વધારાના 50 ટકા ટેરિફ બાદ અમેરિકા દ્વારા ચીન પર લાદવામાં આવેલ કુલ ટેરિફ વધીને 104 ટકા થઈ ગયો છે.
શુક્રવારે ચીને પણ તમામ યુએસ આયાત પર 34 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. એટલું જ નહીં ચીને દુર્લભ ખનિજોની નિકાસ પર નિયંત્રણ અને કેટલીક અમેરિકાની કંપનીઓના વેપાર પર પ્રતિબંધની પણ જાહેરાત કરી હતી. અમેરિકન ટેરિફના આ નવા દર 9 એપ્રિલથી અમલમાં આવશે.