)
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે ફાર્માસ્યુટિકલ્સને રેસિપ્રોકલ ટેરિફથી અપાયેલી છૂટ જલદી સમાપ્ત થશે. ભારત અમેરિકાને મોટા પાયે ફાર્માસ્યુટિકલ્સની નિકાસ કરે છે. મંગળવારે રાતે તેમણે કહ્યું કે અમે બહુ જલદી ફાર્માસ્યુટિકલ્સ પર એક મોટો ટેરિફ લગાવવાની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે અમેરિકા તરફથી લગાવવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફ બુધવારથી પ્રભાવી થયા છે. તેમણે વોશિંગ્ટનમાં નેશનલ રિપબ્લિકન કોંગ્રેસનલ કમિટીના ડિનરમાં પોતાના ભાષણમાં ચીનનો ઉલ્લેખ કર્યો પરંતુ ભારતનો ઉલ્લેખ ન કર્યો. ભારત પોતાના ફાર્મા નિકાસના 315 ટકા અમેરિકાને મોકલે છે.
હવે ફાર્મા કંપનીઓ પર લાગશે ટેરિફ
હાલમાં અમેરિકા તરફથી ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ટ્રમ્પે કહ્યું કે જ્યારે ફાર્મા કંપનીઓને ટેરિફની જાણકારી મળશે તો તેઓ ચીન અને અન્ય દેશોને છોડી દેશે કારણ કે તેમને પોતાના વધુ ઉત્પાદનો અમેરિકામાં વેચવાના છે. અમેરિકી રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે ટેરિફ બાદ તમામ ફાર્મા કંપનીઓ સમગ્ર દેશના અન્ય ભાગોમાં પ્લાન્ટ ખોલશે.
નોંધનીય છે કે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગત અઠવાડયે રેસિપ્રોકલ ટેક્સની જાહેરાત કરી તો તેમણે ફાર્માસ્યુટિકલ્સ કોપર, સેમી કન્ડક્ટર, લાકડું, બુલિયન, એનર્જી અને કેટલીક મિનરલને ટેરિફમાંથી છૂટ આપી હતી. કારણ કે તે અમેરિકી અર્થવ્યવસ્થા માટે ખુબ મહત્વપૂર્ણ છે.
જેનેરિક દવાઓ પર ટ્રમ્પનો વાર!
રેસિપ્રોકલ ટેરિફમાં ફાર્માસ્યુટિકલ્સને રાહત એટલા માટે પણ મળી કારણ કે આયાતી દવાઓ ખાસ કરીને ભારતથી આવતી જેનેરિક દવાઓ, અમેરિકી હેલ્થ સિસ્ટમને ખર્ચને ઘટાડવામાં મદદ કરે છે. જે દુનિયામાં સૌથી મોંઘી હેલ્થ સિસ્ટમ્સમાંથી એક છે.
ભારત અને અમેરિકા એક દ્વિપક્ષીય વેપાર સમજૂતિ પર કામ કરે છે જેનાથી ટેરિફના પ્રભાવને ઘટાડી શકાય. હેલ્થકેર ડેટા અને એનાલિટિક્સ કંપની આઈક્યુવીઆઈએએ કહ્યું કે 2022માં અમેરિકામાં અપાયેલા દસમાંથી ચાર પ્રિસ્ક્રિપ્શન ભારતીય કંપનીના હતા.
મંદીની આશંકા વધી
અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યા બાદ ટ્રેડ વોરની સ્થિતિ પેદા થઈ છે. ગત અઠવાડિયે ચીન દ્વારા જાહેર 34 ટકા ટેરિફના જવાબમાં અમેરિકાએ ચીનથી આયાત પર વધારાના 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી. વધારાના 50 ટકા ટેરિફ લગાવવાથી હવે ચીની આયાત પર અમેરિકન ટેરિફ 104 ટકા થઈ ગયો છે. ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફે મંદીની આશંકા વધારી છે.