અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ આપી પાકિસ્તાનને ચેતવણી, દિલ્હીની ધરતી પરથી અમેરિકાનો આપ્યો સ્પષ્ટ સંદેશ

Amir Khan Muttaqi: અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મુત્તાકીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું છે કે, તેમનો દેશ પાકિસ્તાનના આતંકવાદને પોતાના દેશમાં ખીલવા દેશે નહીં. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાન એક સંપ્રભુ દેશ છે અને પોતાની ધરતીનો ઉપયોગ બીજાઓ વિરુદ્ધ થવા દેશે નહીં.

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ આપી પાકિસ્તાનને ચેતવણી, દિલ્હીની ધરતી પરથી અમેરિકાનો આપ્યો સ્પષ્ટ સંદેશ

Bagram Base: અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી માવલવી અમીર ખાન મુત્તાકી હાલમાં ભારતની મુલાકાતે છે. તાલિબાની વિદેશ મંત્રીની આ ભારત યાત્રાથી પાકિસ્તાન બિલકુલ ખુશ નથી. આ જ કારણ છે કે, પાકિસ્તાન તાલિબાનને ઘેરવાના પ્રયાસોમાં અમેરિકા સાથે જોડાઈ રહ્યા છે. આ દરમિયાન આજે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી માવલવી અમીર ખાન મુત્તાકીએ પાકિસ્તાન સહિત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અફઘાનિસ્તાનમાં બગરામ એરબેઝ પર કબજે કરવાના પ્રયાસનો વિરોધ કર્યો છે. મળતી માહિતી અનુસાર, જ્યારે મુત્તાકીને પૂછવામાં આવ્યું કે, શું પાકિસ્તાન અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કરશે.

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી માવલવી અમીર ખાન મુત્તાકીએ કહ્યું કે, આવું ક્યારેય ન થઈ શકે. અફઘાનિસ્તાનની જમીન પર અફઘાન શાસન છે. ત્યાંની સરકાર મજબૂત છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મુત્તાકીએ કહ્યું કે, અફઘાનિસ્તાનની એક ઇંચ જમીન પર પણ કોઈએ કબજો કર્યો નથી. છેલ્લા ચાર વર્ષમાં બધાને દૂર કરવામાં આવ્યા છે. જો બધા પોત-પોતાના દેશોમાં શાંતિ લાવે, જેમ કે, અફઘાનિસ્તાને કર્યું છે, તો બધે જ શાંતિ રહેશે. છેલ્લા આઠ મહિનામાં અફઘાનિસ્તાનમાં એક પણ નાની ઘટના બની નથી. અફઘાનિસ્તાને છેલ્લા ચાર વર્ષમાં કોઈપણ દેશને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી.

Add Zee News as a Preferred Source

 

આ દરમિયાન મુત્તાકીએ જણાવ્યું કે, તેઓ બગરામ બેઝ પર કોઈપણ વિદેશી સેના ઉપસ્થિતિની મંજૂરી આપશે નહીં. મુત્તાકીએ જણાવ્યું કે, અફઘાનિસ્તાન આ વાતનો સાક્ષી છે કે અમે ક્યારેય કોઈ લશ્કરી દળને સ્વીકાર્યું નથી અને ચોક્કસપણે ક્યારેય સ્વીકારશે નહીં. અમે તમને સલાહ આપીએ છીએ કે, અફઘાનિસ્તાન એક સંપ્રભુ દેશ છે અને એવો જ રહેશે. જો તમે સંબંધો ઇચ્છો છો, તો તમે રાજદ્વારી મિશનના માધ્યમથી સંબંધો સ્થાપિત કરી શકો છો, પરંતુ અમે લશ્કરી ગણવેશમાં કોઈને પણ સ્વીકારતા નથી. મુત્તાકીએ કહ્યું કે, અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતે છેલ્લા ચાર વર્ષમાં સાબિત કર્યું છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ બીજાઓ વિરુદ્ધ કરવામાં આવશે નહીં. અને તેઓ આ નીતિ પર કાયમ છે કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ બીજાઓને ધમકી આપવા માટે કરવામાં આવશે નહીં.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સંબંધોમાં પડી તિરાડ
નોંધનીય છે કે, એક ઇન્ટરવ્યુ દરમિયાન પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ભારત અને તાલિબાન વચ્ચેના સંબંધો પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, અફઘાન હંમેશા ભારત પ્રત્યે વફાદાર રહ્યા છે અને પાકિસ્તાનની વિરુદ્ધ પહેલા પણ હતા અને ભવિષ્યમાં પણ રહેશે. પાકિસ્તાનના રક્ષા મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના વિદેશ મંત્રી મુત્તાકી ભારતની મુલાકાતે છે. હાલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. અગાઉ પણ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે અફઘાનિસ્તાનને ચેતવણી આપી હતી. તેમણે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં બોલતા તાલિબાનને ચેતવણી આપી હતી. તે દરમિયાન ખ્વાજા આસિફે કહ્યું હતું કે, હવે બહુ થયું. આપણી ધીરજ ખૂટી ગઈ છે. અફઘાનિસ્તાનની જમીન પરથી થચો આતંકવાદ હવે વધારે સહન કરવામાં નહીં આવે.

નોંધનીય છે કે, આ અઠવાડિયાની શરૂઆતમાં ભારત હસ્તાક્ષરિત એક સંયુક્ત નિવેદનમાં અફઘાનિસ્તાને પોતાના લશ્કરી માળખામાં કોઈપણ દેશનો દખલગીરીને નકારી કાઢી હતી. રશિયાની રાજધાનીમાં આ અઠવાડિયાની શરૂઆતમાં યોજાયેલી મોસ્કો ફોર્મેટ કન્સલ્ટેશનની 7મી બેઠક પછી મંગળવારે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પક્ષોએ અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ માટે મુખ્યત્વે જવાબદાર દેશોને અફઘાનિસ્તાનની આર્થિક સુધાર અને ભવિષ્યના વિકાસ પર પ્રતિબદ્ધતાઓને ઈમાનદારીથી પૂર્ણ કરવા વિનંતી કરી છે.

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ આંતરરાષ્ટ્રીય સંબંધો પ્રત્યે દેશના અભિગમ પર ભાર મુકતા કહ્યું કે, ઇસ્લામિક સિદ્ધાંતોના આધારે અફઘાનિસ્તાન બધા દેશો સાથે સકારાત્મક સંબંધો ઇચ્છે છે. ભારત પાસે આ સકારાત્મક દિશામાં આગળ વધવાની સારી તક છે. તેમણે કહ્યું હતું કે, અમને આશા છે કે સંતુલિત નીતિ અન્ય લોકોને પણ પ્રોત્સાહિત કરશે. અફઘાનિસ્તાન લશ્કરી હસ્તક્ષેપ કે કોઈની ઉપસ્થિતિને મંજૂરી આપશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news