)
ઢાકાઃ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં વાયુસેનાનું એક તાલીમ વિમાન ક્રેશ થયું. પીટીઆઈના અહેવાલ મુજબ, સોમવારે બપોરે લગભગ 1.30 વાગ્યે બાંગ્લાદેશ વાયુસેનાનું તાલીમ વિમાન માઇલસ્ટોન કોલેજની ઇમારત સાથે અથડાયું. પ્રાપ્ત વિગત અનુસાર આ દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા છે, જ્યારે 70 જેટલા લોકોને ઈજા થઈ છે.
વિમાન દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ, બાંગ્લાદેશી સેનાના જવાનો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં માઇલસ્ટોન કોલેજ કેમ્પસમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. કોલેજના વિદ્યાર્થીઓ પણ ભાગતા જોવા મળી રહ્યા છે.
ટેકઓફની 24 મિનિટ બાદ દુર્ઘટનાનો શિકાર બન્યું વિમાન
પ્રાપ્ત જાણકારી પ્રમાણે F-7 ટ્રેનિંગ વિમાને બપોરે 1.06 કલાકે આસપાસ ઉડાન ભરી હતી. હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક સીનિયર અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. પરંતુ હજુ દુર્ઘટનાનું કારણ સામે આવ્યું નથી. પ્લેન ક્રેશને કારણે ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
बंग्लादेश मेँ गिरा बांग्लादेश एयरफोर्स का Fighter Plane #BangladeshAirForce #PlaneCrash #DhakaNews #ViralVideo #BreakingNews pic.twitter.com/6JFhjAKuTk
— Sahil Saini ? (@_Iam_Sahil) July 21, 2025
ચીને બનાવ્યું છે F-7 એરક્રાફ્ટ
F-7 વિમાન વિશે વાત કરીએ તો, તે ચીની કંપની ચેંગડુ એરક્રાફ્ટ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યું છે. તે સિંગલ સીટર વિમાન છે. જો કે, તેના કેટલાક સંસ્કરણોમાં ડબલ સીટનો વિકલ્પ પણ છે. F-7 ની મહત્તમ ગતિ Mach 2.02 એટલે કે લગભગ 2120 કિલોમીટર પ્રતિ કલાક છે.
બાંગ્લાદેશમાં પહેલા પણ F-7 વિમાન ક્રેશ થયું છે
બાંગ્લાદેશમાં પહેલા પણ F-7 વિમાન ક્રેશ થયું છે. 8 એપ્રિલ 2008 ના રોજ ટાંગૈલમાં F-7 ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાઇલટે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પાઇલટ મોર્શેદ હસન ક્રેશ પહેલા જ બહાર નીકળી ગયો હતો, પરંતુ પેરાશૂટ ખરાબ થઈ ગયું હતું. આ કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પાઇલટ હસનને લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.