)
China's Taiwan Reaffirmation Claim: 'ડ્રેગન' પોતાના પાડોશી દેશ પાકિસ્તાનને પાછળ છોડી રહ્યો હોય તેવું લાગે છે. દક્ષિણ ચીન સમુદ્રના નામે ફિલિપાઇન્સ સહિત ઘણા દેશોની દરિયાઈ સંપત્તિ પર દાવો કરનાર ચીન લાંબા સમયથી તાઇવાન, તિબેટ અને ભારતની જમીન કબજે કરવાનો ભ્રમ પાળી રહ્યું છે. આ માટે બેઇજિંગના નેતાઓ ઘણીવાર અલગ-અલગ પ્રોપેગેંડા ફેલાવવાની સાથે ફેક નેરેટિવ બનાવીને ચીનના એજન્ડા ચલાવતા રહે છે. તાજેતરના મામલામાં ચીને દાવો કર્યો કે, ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યી વચ્ચેની મુલાકાત દરમિયાન ભારતે 'વન ચાઈના' સિદ્ધાંતને પોતાનું સમર્થન આપવાની પુષ્ટિ કરી છે.
'વન ચાઈના પોલિસી પર ભારતનું નિવેદન'
ચીનના દાવા સામે આવતાની સાથે જ ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે સ્પષ્ટતા કરી છે. સરકારી સૂત્રોએ સ્પષ્ટ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, 'તાઈવાન પર નવી દિલ્હીના વલણમાં કોઈ ફેરફાર થયો નથી'. જ્યારે ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રીડઆઉટમાં કહેવામાં આવ્યું છે કે, એસ જયશંકરે તાઈવાનને ચીનનો ભાગ તરીકે સ્વીકાર્યું છે. તાઈવાન સ્ટ્રેટની આસપાસની ભૂ-રાજકીય સંવેદનશીલતાને જોતાં ચીનના દાવા અંગે અટકળોનો દોર શરૂ થયો.
ભારતનો જવાબ
ભારતીય અધિકારીઓએ તરત જ વળતો પ્રહાર કરતા કહ્યું કે, નવી દિલ્હીએ લાંબા સમયથી તાઇવાન પ્રત્યે સુસંગત અને સંતુલિત દૃષ્ટિકોણ અપનાવ્યું છે. અન્ય ઘણા દેશોની જેમ તાઇવાન સાથે અમારા આર્થિક, તકનીકી અને સાંસ્કૃતિક સંબંધો છે, જે ચાલુ રહેશે.
તમને જણાવી દઈએ કે, ભારત 2010થી તેના સંયુક્ત નિવેદનોમાં 'વન ચાઈના' પોલિસીનો સીધો ઉલ્લેખ કરવાથી પરંપરાગત રીતે ટાળતું આવ્યું છે. તેના બદલે ભારતે આ વિષય પર વ્યૂહાત્મક અસ્પષ્ટતા જાળવવાનું પસંદ કરતું રહ્યું છે. નવી દિલ્હીના તાઈપેઈ સાથે ઔપચારિક રાજદ્વારી સંબંધો નથી. પરંતુ ભારત, તાઈવાન સાથે મજબૂત અનૌપચારિક માધ્યમો જેમ કે, વેપાર અને નવીનતાના ક્ષેત્રમાં સંપર્કો જાળવી રાખે છે.