)
ઓસ્ટ્રેલિયામાં યહૂદીઓ પર આતંકી હુમલામાં માર્યા ગયેલા 50 વર્ષના સાજિદ અક્રમ પર એક ચોંકાવનારી વાત સામે આવી છે. એવો દાવો કરાયો છે કે આ સાજિદ અક્રમ ભારતીય નાગરિક હતો અને તે નવેમ્બરમાં ફિલિપાઈન્સ આવ્યો હતો. ફિલિપાઈન્સના બ્યૂરો ચીફ ઈમિગ્રેશને મંગળવારે આ જાણકારી આપી હતી.
ફિલિપાઈન્સના બ્યૂરો ઓફ ઈમિગ્રેશનના પ્રવક્તા ડાના સેન્ડોવાલે કહ્યું કે 50 વર્ષનો સાજિદ અક્રમ ભારતીય નાગરિક (ઓસ્ટ્રેલિયાનો રહીશ), અને 24 વર્ષનો નાવીદ અક્રમ, ઓસ્ટ્રેલિયન નાગરિક 1 નવેમ્બર 2025ના રોજ સિડની ઓસ્ટ્રેલિયાથી એક સાથે ફિલિપાઈન્સ પહોંચ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે બંનેએ દાવાઓને પોતાનું અંતિમ ગંતવ્ય ગણાવ્યું હતું. તેઓ 28 નવેમ્બર 2025ના રોજ દાવાઓથી મનીલા માટે કનેક્ટિંગ ફ્લાીટથી દેશ છોડીને સિડની જતા રહ્યા. જે તેમનું છેલ્લું ગંતવ્ય હતું. સાજિદ અક્રમના ભારતીય મૂળની પુષ્ટિ અગાઉ આ મામલાથી પરિચિત પાંચ લોકોએ નામ ન છાપવાની શરતે કરી હતી.
ઓસ્ટ્રેલિયાના 9 ન્યૂઝ ચેનલે નાવેદ અક્રમના એક પૂર્વ સહકર્મીના ઈન્ટરવ્યુને દેખાડ્યો જે એક બેરોજગાર રાજમિસ્ત્રી છે. તેમણે જણાવ્યું કે પકડાયેલા હુમલાખોરનું બેકગ્રાઉન્ડ ભારતીય અને ઈટાલિયન હતું. પૂર્વ સહકર્મીએ કહ્યું કે નાવીદ અક્રમની માતા ઈટાલિયન અને પિતા ભારતીય છે.
ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી ટોની બર્કે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં પિતા પુત્રની જોડીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે પિતા સાજિદ અક્રમ 1998માં સ્ટુડન્ટ વિઝા પર આવ્યા હતા જ્યારે પુત્ર ઓસ્ટ્રેલિયન મૂળનો નાગરિક છે. પિતા સાજિદ અક્રમે 2001માં પાર્ટનર વિઝામાં ફેરફાર કર્યો અને ત્યારથી દરેક વિદેશ પ્રવાસ બાદ રેસિડેન્ટ રિટર્ન વિઝા પર રહે છે, જે ત્રણવાર થયું છે. ઓસ્ટ્રેલિયાના કાયમી રહીશોને રેસિડેન્ટ રિટર્ન વિઝા આપવામાં આવતા હોય છે અને તેની માન્યતા પૂરી થાય ત્યાં સુધી તેઓ ઇચ્છે તેટલી વાર દેશમાં આવવા જવાની મંજૂરી આપે છે આ સાથે તેમનો કાયમી રહેઠાણનો દરજ્જો જાળવી રાખે છે.
ઓસ્ટ્રેલિયન વિદેશ મંત્રીએ ભારતીય વિદેશમંત્રી સાથે કરી વાત
આ મામલે પરિચિત લોકોએ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગે સોમવારે વિદેશમંત્રી એસ જયશંકર સાથે વાત કરી અને તેમને બોન્ડીમાં થયેલા આતંકી હુમલા અને ચાલી રહેલી તપાસ અંગે માહિતી આપી. વોંગે કહ્યું કે મે મંત્રી જયશંકરને તેમની સંવેદનાઓ અને ભારત સરકારના સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો. યહૂદી વિરોધી, હિંસા અને આતંકવાદ માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ એ વાત ઉપર અમે સહમત થયા.
અત્રે જણાવવાનું કે રવિવારે ઓસ્ટ્રેલિયાના સિડનીના બોન્ડી બીચ પર હનુક્કા કાર્યક્રમમાં સામેલ અક્રમ અને તેના પુત્ર નાવીદ અક્રમે રાઈફલોથી અંધાધૂંધ ફાયરિંગ કર્યું જેમાં 15 લોકો માર્યા ગયા અને 42 અન્ય ઘાયલ થયા. નાવીદ અક્રમ હાલ પોલીસની નિગરાણીમાં હોસ્પિટલમાં છે. જ્યારે સાજિદ અક્રમ પોલીસ સાથે અથડામણમાં માર્યો ગયો.