પુસ્તકમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિશે થયો મોટો ખુલાસો, વિશ્વાસ નહીં કરી શકો
રાષ્ટ્રપતિ બન્યા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારેક પોતાની નીતિઓને લઈને તો ક્યારેક પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે
વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ બન્યા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારેક પોતાની નીતિઓને લઈને તો ક્યારેક પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. હવે એકવાર ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પ ચર્ચામાં છે અને આ વખતે તેઓ પોતાના ટ્વિટ કે નિવેદનને લઈને નહીં પરંતુ એક પુસ્તકને લઈને ચર્ચામાં છે. હકીકતમાં અમેરિકાના એક પત્રકારે પોતાના પુસ્તકમાં એવો ખુલાસો કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનાવા માંગતા નહતાં. પુસ્તકમાં એ પણ લખ્યું છે કે પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પને જ્યારે ચૂંટણી જીત્યાની માહિતી મળી તો જરાય ખુશી થઈ નહતી. ઉલ્ટું તેઓ રોવા લાગ્યા હતાં. માઈકલ વોલ્ફ દ્વારા લખવામાં આવેલા પુસ્તક 'ફાયર એન્ડ ફરી: ઈનસાઈડ ધ ટ્રમ્પ વ્હાઈટ હાઉસ' પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો કે ટ્રમ્પનું અંતિમ લક્ષ્ય ક્યારેય જીતવાનું નહતું.
દુનિયામાં મશહૂર થવા માંગતા હતાં ટ્રમ્પ
ટ્રમ્પે પોતાના સહાયક સેમ નુનબર્ગને ચૂંટણી દોડની શરૂઆતમાં કહ્યું હતું કે તેમનું અંતિમ લક્ષ્ય ક્યારેય જીત મેળવવાનું ન હતું. હું દુનિયામાં સૌથી મશહૂર વ્યક્તિ બની શકું છું. પુસ્તકના અંશો મુજબ તેમના લાંબા સમયથી મિત્ર રહેલા ફોક્સ ન્યૂઝના પૂર્વ પ્રમુખ રોજર એલિસ કહેવા માંગતા હતાં કે જો તમે ટેલિવિઝનમાં કેરિયર બનાવવા માંગતા હોવ તો સૌથી પહેલા રાષ્ટ્રપતિના પદ માટે ઊભા રહી જાઓ. આ પુસ્તકના અંશ ન્યૂયોર્ક પત્રિકામાં 'ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનવા માંગતા નહતાં' મથાળાથી પ્રકાશિત થયા છે. ત્યારબાદ વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ સારા સેન્ડર્સે તેને ફગાવ્યાં છે.
ટ્રમ્પને સમજવા મુશ્કેલ
સારાએ કહ્યું કે અસલમાં એક નાની વાતચીત થઈ હતી જેનો પુસ્તક સાથે કોઈ લેવાદેવા નથી. મને લાગે છે કે રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યા બાદથી લગભગ પાંચથી સાત મિનિટ આ વાતચીત થઈ હતી અને તેમની સાથે ફક્ત એટલી જ વાતચીત થઈ હતી. વોલ્ફના જણાવ્યાં મુજબ વ્હાઉટ હાઉસમાં પ્રવેશ બાદ ટ્રમ્પને કામકાજ અંગે ખુબ ઓછી ખબર હતી. લેખકે દાવો કર્યો હતો કે ટ્રમ્પને સૂચન આપવા સૌથી વધુ જટિલ હતાં. ટ્રમ્પના રાષ્ટ્રપતિના કામકાજનો મુખ્ય મુદ્દો એ હતો કે તેઓ પોતાની વિશેષતાઓ ઉપર વિશ્વાસ કરતા હતાં પછી ભલે તે વિચાર ગમે તેટલો અપ્રાસંગિક કે તુચ્છ કેમ ન હોય.
જીત્યા ત્યારે તેમને વિશ્વાસ જ નહતો થયો
પુસ્તકમાં કહેવાયું છે કે જૂનિયર ટ્રમ્પે પોતાના એક મિત્રને જણાવ્યું હતું કે ચૂંટણીની રાતના આઠ વાગ્યા બાદ જ્યારે મતગણતરીમાં ટ્રમ્પની જીતની પુષ્ટિ થઈ હતી ત્યાર તેમના પિતા એવા લાગી રહ્યાં હતાં જ્યારે કોઈ ભૂત જોઈ લીધુ હોય. મેલાનિયા ખુશ થવાની જગ્યાએ રોઈ રહ્યાં હતાં. ન્યૂયોર્ક મેગેઝીન મુજબ ચૂંટણીના દિવસથી ગત ઓક્ટોબર સુધી વોલ્ફે 18 મહિના સુધી રાષ્ટ્રપતિ અને તેમના કર્મચારીઓ સાથે વાતચીત કરી અને તેમના ઈન્ટરવ્યુ લીધા.
ટ્રમ્પે ફેલાવી અરાજકતા
વોલ્ફે કહ્યું કે વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પના પોતાના વ્યવહારે એટલી તે અરાજકતા અને અવ્યવસ્થા ફેલાવી છે કે જેટલી બીજી કોઈ વસ્તુએ નથી ફેલાવી. વ્હાઈટ હાઉસે આ પુસ્તકની સામગ્રીને ફગાવી દીધી છે. પુસ્તક આગામી સપ્તાહથી દુકાનો પર ઉપલબ્ધ થશે.
પુસ્તકને ખોટુ ગણાવ્યું
સેન્ડર્સે કહ્યું કે આ પુસ્તક જુઠ્ઠાણાથી ભરેલું છે અને તેમાં જેમની વ્હાઈટ હાઉસ સુધી કોઈ પહોંચ નથી તેમના હવાલે ભ્રામક તથ્યો રાખવામાં આવ્યાં છે. તેમણે પોતાના નિયમિત પત્રકાર સંમેલનમાં કહ્યું કે લેખકને આ પુસ્તક માટે વ્હાઈટ હાઉસ સુધીની કોઈ પહોંચ મળી નથી. વાસ્તવમાં તેઓ ક્યારેય રાષ્ટ્રપતિ સાથે બેઠા પણ નથી.