)
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલના દિવસોમાં બરાબર ધૂંધવાયેલા જોવા મળે છે. તેમણે પોતાા કાર્યકાળ શરૂ થતા જ પહેલા તો ભારત, ચીન સહિત અને દેશો પર ભારે ભરખમ ટેરિફ લગાવ્યો. જ્યારે હવે આ દેશો એકજૂથ થયા તો તેમનાથી એ પણ સહન થતું નથી. તેમણે હાલમાં જ ચીનના એક કાર્યક્રમ અંગે ત્યાંના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ટીકા કરી છે. અત્રે જણાવવાનું કે બુધવારે 3 સપ્ટેમ્બર 2025ના રોજ ચીનમાં સૈન્ય પરેડનું આયોજન થયું. જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ઉત્તર કોલિયાના નેતા કિમ જોંગ ઉનને પણ આમંત્રણ અપાયું હતું. આ મુદ્દે હવે ટ્રમ્પને ખુબ મરચા લાગ્યા છે.
ટ્રમ્પે જિનપિંગ પર લગાવ્યો આરોપ
ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર કટાક્ષ કરતા તેમને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પ્રત્યે પોતાનું હાર્દિક સન્માન વ્યક્ત કરવા કહ્યું. આ સાથે જ તેમણે જિનપિંગ પર અમેરિકા વિરુદ્ધ ષડયંત્ર રચવાનો પણ આરોપ લગાવ્યો. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું કે, રાષ્ટ્રપતિ શી અને ચીનના અદભૂત લોકો માટે આ દિવસ ખુબ જ શાનદાર અને સ્થાયી રહે. વ્લાદિમિર પુતિન અને કિમ જોંગ ઉનને મારી હાર્દિક શુભકામનાઓ કારણ કે તમે સંયુક્ત રાજ્ય અમેરિકા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છો.
જિનપિંગની ટીકા
પોતાની પોસ્ટમાં ટ્રમ્પે શી જિનપિંગની ટીકા કરતા કહ્યું કે અમેરિકાએ ચીનને એક ખુબ જ અમિત્ર વિદેશી આક્રમણકારીથી સ્વતંત્રતા અપાવવામાં મદદ કરી હતી. તેમણે લખ્યું કે ચીનના વિજય અને ગૌરવની શોધમાં અનેક અમેરિકનો શહીદ થયા. મને આશા છે કે તેમને તેમના સાહસ અને બલિદાન માટે યોગ્ય સન્માન અને યાદ રાખવામાં આવશે. રાષ્ટ્રપતિ શી અને ચીનના અદભૂત લોકો માટે આ દિવસ ખુબ યાદગાર રહે.
ચીનની સૈન્ય પરેડ
અત્રે જણાવવાનું કે ચીને બુધવારે 3 સપ્ટેમ્બર 2025ના રોજ દ્વિતિય વિશ્વ યુદ્ધ પૂરું થયાની 80મી વર્ષગાંઠ પર ભવ્ય સૈન્ય પરેડનું આયોજન કર્યું. આ દરમિયાન ચીની સેનાએ પહેલીવાર દુનિયાને પોતાના ફાઈટર જેટ્સ, મિસાઈલો અને એડવાન્સ ઈલેક્ટ્રોનિક યુદ્ધ ક્ષમતા સંલગ્ન કેટલાક આધુનિક હથિયારો દેખાડ્યા. આ કાર્યક્રમમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મ્યાંમાર, મંગોલિયા, ઈન્ડોનેશિયા, મલેશિયા, મિડલ ઈસ્ટ અને ઈરાનના નેતાઓ પણ સામેલ હતા.