US-Pakistan Relations: ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના બીજા કાર્યકાળમાં પાકિસ્તાન સાથે સતત સંબંધ ફરીથી ગાઢ કરી રહ્યા છે. વર્ષો બાદ અમેરિકી વિદેશમંત્રી પાકિસ્તાન જશે એવી વાતો વહેતી થઈ છે. જાણો શું ઈચ્છે છે ટ્રમ્પ.

અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયો પાકિસ્તાનની મુલાકાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાની પત્રકારે આ દાવો કર્યો છે અને જણાવ્યું છે કે તેઓ આગામી ઓક્ટોબર મહિનામાં આવી શકે તેવી સંભાવના છે. આ પ્રવાસની તારીખો પર બંને પક્ષોમાં ચર્ચા થઈ રહી છે. જો કે હજુ સુધી બંન પક્ષો તરફથી આ વિશે અધિકૃત જાહેરાત થઈ નથી. પરંતુ જો આ પ્રવાસ થશે તો આ ઘણા વર્ષો બાદ કોઈ અમેરિકી વિદેશ મંત્રીનો પહેલો પાકિસ્તાન પ્રવાસ હશે. આ અગાઉ માઈક પોમ્પિયોએ 2018માં વિદેશ મંત્રી હતા ત્યારે પાકિસ્તાનની મુલાકાત કરી હતી.
માર્કો રૂબિયોનો પ્રવાસ ડોનાલ્ડ ટ્રમ્પની બદલાયેલી રણનીતિનો ભાગ છે જે હેઠળ વ્હાઈટ હાઉસ પાકિસ્તાન સાથે સંબંધો ગાઢ બનાવી રહ્યું છે. આ અગાઉ પાકિસ્તાન સેના પ્રમુખ અસીમ મુનીરે બેવાર અમેરિકાની સત્તાવાર મુલાકાત લીધી હતી. જૂનમાં મુનીરે વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. તમને એમ થતું હશે કે ડોનાલ્ડ ટ્રમ્પને અચાનક શું થયું કે પાકિસ્તાન પ્રેમ ઉભરાયો?
પાકિસ્તાનના ખજાના પર નજર
મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકાની નજર પાકિસ્તાનની જમીનની અંદર દટાયેલા રેર અર્થ મિનરલ્સ પર છે. તેનો સ્પષ્ટ સંકેત હાલમાં જ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના અવસરે માર્કો રૂબિયોએ આપેલા શુભેચ્છા સંદેશમાં મળ્યો હતો. અમેરિકી વિદેશી વિભાગના એક નિવેદનમાં વિદેશમંત્રી માર્કો રૂબિયોએ 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના લોકોને શુભેચ્છા પાઠવી હતી.
પોતાના સંદેશમાં રૂબિયોએ કહ્યું હતું કે અમેરિકા મહત્વપૂર્ણ ખનિજો અને હાઈડ્રોકાર્બન સહિત આર્થિક સહયોગના નવા ક્ષેત્રોનો વિકાસ કરવા અને ગતિશિલ વ્યવસાયિક ભાગીદારીઓને પ્રોત્સાહન આપવા માટે આતુર છે જેનાથી અમેરિકા અને પાકિસ્તાનના લોકો માટે એક સમૃદ્ધ ભવિષ્યને પ્રોત્સાહન મળશે.
વેપાર સમજૂતિ
ગત મહિને જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે એક વેપાર સમજૂતિ વિશે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ડીલથી અમેરિકા પાકિસ્તાનમાં તેલ ભંડારના દોહનમાં સહયોગ કરશે. પાકિસ્તાનના વાણિજ્ય મંત્રી જામ કમાલે કહ્યું કે આ સમજૂતિથી અમેરિકી કંપનીઓ માટે સ્થાનિક કંપનીઓની સાથે જોઈન્ટ વેન્ચર્સ દ્વારા ખનન પ્રોજેક્ટ્સમાં રોકાણના દ્વાર ખુલશે.