)
ભારતની રશિયા પાસેથી ઓઈલની ખરીદીને મુદ્દો બનાવીને એકબાજુ જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકબાજુ ભારત પર 100 ટકા ટેરિફ લગાવવાની તૈયારીમાં છે ત્યાં બીજી બાજુ તેઓ વારંવાર ભારત પ્રત્યે નરમાઈ પણ દાખવી રહ્યા છે. હવે તેમનું એક નવું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ ભારત પર લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફને કપરો નિર્ણય ગણાવતા કહે છે કે રશિયન ઓઈલની ખરીદી મુદ્દે ભારત સાથે અમેરિકાના સંબંધોમાં તિરાડ આવી છે અને ભારત પર 50 ટકા ટેરિફનો નિર્ણય લેવો ઘણો મુશ્કેલ હતો. આમ તો જે દેશોએ ચૂપચાપ અમેરિકાની શરતો માની લીધી તેમના પ્રત્યે અમેરિકાનું વલણ કૂણું પડ્યું છે પરંતુ જે દેશોએ અમેરિકાની શરતો માની નહીં તેઓ ટેરિફ બોમ્બ ઝેલી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું કે તેમના તરફથી લગાવવામાં આવેલા ટેરિફના કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ વધ્યો છે. શુક્રવારે આપેલા એક નિવેદનમાં ટ્રમ્પે કહ્યું કે રશિયા પાસેથી ઓઈલ ખરીદી પર લગાવવામાં આવેલા ટેરિફે બંને દેશો વચ્ચે તિરાડ ઊભી કરી છે. ટ્રમ્પે એ પણ સ્વીકાર્યું કે ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય સરળ ન હતો. પરંતુ તેમણે તેને જરૂરી ગણાવ્યો. તેમના જણાવ્યાં મુજબ આ પગલું અમેરિકાના આર્થિક હિતોની રક્ષા માટે ઉઠાવવામાં આવ્યું.
ભારત-અમેરિકાના સંબંધોમાં તણાવ
ટ્રમ્પે શુક્રવારે એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું કે આ નિર્ણયથી ભારત-અમેરિકાના સંબંધોમાં તણાવ પેદા થયો છે. ટ્રમ્પે કહ્યું કે ભારત રશિયન ઓઈલનો એક મોટો ગ્રાહક છે. મે તે રોકવા માટે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો કારણ કે તેઓ રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે. આ કોઈ સરળ કામ નથી. આ મોટી વાત છે અને તેનાથી ભારત સાથેના સંબંધોમાં તિરાડ પેદા થાય છે. આ સાથે જ ટ્રમ્પે સ્વીકાર્યું કે ભારત પર આટલો મોટો ટેરિફ લગાવવો એ તેમના માટે પણ સરળ નિર્ણય ન હતો. જો કે તેમણે તેને અમેરિકાના હિતમાં જરૂરી પગલું ગણાવ્યું.
ફરી એ જ રાગ આલાપ્યો
આ સાથે ટ્રમ્પે એકવાર ફરીથી પોતાના એ જ દાવાને દોહરાવ્યો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના આ નિવેદને એકવાર ફરીથી વૈશ્વિક સ્તરે ચર્ચા છેડી છે. આ પહેલા પણ ટ્રમ્પ અનેકવાર પોતાના નિવેદનોમાં ભારત-પાકિસ્તાનને લઈને વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી ચૂક્યા છે. જો કે હાલના નિવેદને એકવાર ફરીથી વૈશ્વિક વર્તુળોમાં ચર્ચા તેજ કરી છે ખાસ કરીને એવા સમયે જ્યારે ભારત અને અમેરિકા વ્યુહાત્મક ભાગીદારીને ગાઢ કરવાની કોશિશ કરી રહ્યા છે.