)
Trump Tariff on Furniture: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફર્નિચરની આયાત પર ટેરિફ લગાવવાનો નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે, આગામી 50 દિવસમાં તપાસ પૂર્ણ થશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે અન્ય દેશોમાંથી અમેરિકા આવતા ફર્નિચર પર કેટલી ડ્યુટી લગાવવી જોઈએ. ટ્રમ્પનું માનવું છે કે, આ પગલાથી અમેરિકાનો ઉદ્યોગ ફરીથી મજબૂત થશે અને ઉત્પાદનનો દેશની અંદર આવશે.
ફર્નિચરની આયાત પર ટેરિફ કેમ લગાવવા માંગે છે ટ્રમ્પ?
ટ્રમ્પે પોતાના નિવેદનમાં ખાસ કરીને ઉત્તર કેરોલિના, દક્ષિણ કેરોલિના અને મિશિગન જેવા રાજ્યોનો ઉલ્લેખ કર્યો. આ રાજ્યો એક સમયે ફર્નિચર ઉદ્યોગના મોટા કેન્દ્રો હતા, પરંતુ સસ્તા મજૂર અને ઓછા ઉત્પાદન ખર્ચને કારણે મોટાભાગની કંપનીઓએ તેમનું કામ વિદેશમાં ખસેડ્યું. ટ્રમ્પનું કહેવું છે કે, નવા ટેરિફ કંપનીઓને ફરીથી અમેરિકામાં ઉત્પાદન કરવા દબાણ કરશે.
ટ્રમ્પની જાહેરાતની શેરબજાર પર અસર
આ જાહેરાતની સીધી અસર અમેરિકાના શેરબજારમાં જોવા મળી. મુખ્ય ફર્નિચર અને હોમ ગુડ્સ કંપનીઓ જેમ કે, Wayfair, RH અને Williams-Sonoma શેરમાં ઘટાડો આવ્યો. જ્યારે, La-Z-Boy જેવી અમેરિકાની મેન્યુફેક્ચરિંગ કંપની, જે મોટાભાગનું ફર્નિચર અમેરિકામાં જ બનાવે છે, તેના શેરમાં વધારો આવ્યો. વિશ્લેષકો માને છે કે, જો ટેરિફ લાગુ કરવામાં આવે તો વિદેશી ઉત્પાદનો મોંઘા થશે અને સ્થાનિક કંપનીઓને ફાયદો થશે.
ટ્રમ્પ વહીવટીતંત્ર કરી રહ્યું છે તપાસ
અમેરિકન વાણિજ્ય વિભાગ હાલમાં તપાસ કરી રહ્યું છે. આ તપાસ ટ્રેડ એક્સપેન્શન એક્ટ 1962ની કલમ 232 હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. આ કાયદો અમેરિકાની સરકારને એવા ઉત્પાદનો પર ટેરિફ લગાવવાની મંજૂરી આપે છે, જેને રાષ્ટ્રીય સુરક્ષા માટે આવશ્યક ગણવામાં આવે છે. જો કે, હજુ સુધી તે સ્પષ્ટ નથી કે આ ટેરિફ હાલની ડ્યુટી ઉપરાંત હશે કે તેની જગ્યા લેશે.
અમેરિકામાં એક સમયે ફર્નિચર ઉદ્યોગ આપતો હતો 12 લાખ લોકોને રોજગાર
એક સમય હતો જ્યારે અમેરિકાનો ફર્નિચર ઉદ્યોગ ખૂબ જ મજબૂત હતો. 1979માં આ ઉદ્યોગમાં લગભગ 12 લાખ લોકો કામ કરતા હતા. 2023 સુધીમાં આ સંખ્યા ઘટીને માત્ર 3.4 લાખ થઈ ગઈ છે. આ ઘટાડાનું મુખ્ય કારણ વિદેશમાં સસ્તું ઉત્પાદન અને મોટા પાયે આઉટસોર્સિંગ હોવાનું માનવામાં આવે છે. ટ્રમ્પ કહે છે કે, નવા ટેરિફથી માત્ર અમેરિકન ઉદ્યોગને વેગ મળશે નહીં પરંતુ હજારો લોકો માટે રોજગાર પણ પાછો આવશે.
શું ટ્રમ્પની જાહેરાત ભારતને અસર કરશે?
ફર્નિચરની આયાત પર ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ ટ્રમ્પ વહીવટીતંત્રની વ્યાપક રણનીતિનો એક ભાગ છે. સરકાર પહેલાથી જ અન્ય ઉત્પાદનો પર પણ ટેરિફ લગાવવાનું વિચારી રહી છે. આમાં કોપર, સેમિકન્ડક્ટર અને દવાઓ (ફાર્માસ્યુટિકલ્સ)નો સમાવેશ થાય છે. આ વ્યૂહરચનાનો ધ્યેય સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, વિદેશી નિર્ભરતા ઘટાડવા અને અમેરિકામાં ઉદ્યોગ અને રોજગારને ફરીથી મજબૂત બનાવવાનો છે. નોંધનીય છે કે, ટ્રમ્પની આ જાહેરાત ભારતને પણ અસર કરશે કારણ કે ભારત અમેરિકામાં મોટા પ્રમાણમાં ફર્નિચરની નિકાસ પણ કરે છે.