)
આગામી અઠવાડિયે અલાસ્કામાં થનારી મુલાકાત પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્લાદિમિર પુતિન પર નિશાન સાંધ્યુ છે. તેમણે સોમવારે કહ્યું કે રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર લગાવવામાં આવેલા અમેરિકી ટેરિફના કારણે પહેલેથી ખરાબ જોવા મળી રહેલી રશિયાની અર્થવ્યવસ્થાને જોરદાર ઝટકો લાગ્યો છે. ટ્ર્મ્પે ભારતને રશિયાનો સૌથી મોટો કે બીજો સૌથી મોટો ઓઈલ ખરીદાર ગણાવ્યું. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં એક પત્રકાર સંમેલનને સંબોધિત કરતા દાવો કર્યો કે અનેક દેશો પર ટેરિફ લગાવવાના કારણે ચાલી રહેલા વૈશ્વિક દબાણોથી રશિયાની અર્થવ્યવસ્થા ગંભીર રીતે પ્રભાવિત થઈ છે.
તેમણે કહ્યું કે મને લાગે છે કે રશિયાએ પોતાના દેશના નિર્માણમાં ફરીથી લાગવું જોઈએ. આ એક વિશાળ દેશ છે. રશિયામાં સારું પ્રદર્શન કરવાની અપાર ક્ષમતા છે. તેઓ સારું પ્રદર્શન કરતા નથી. તેમની અર્થવ્યવસ્થા હાલ સારું પ્રદર્શન કરી રહી નથી. કારણ કે તે ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ટ્રમ્પે પરોક્ષ રીતે ભારત તરફ ઈશારો કરતા કહ્યું કે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ તેના સૌથી મોટા કે બીજા સૌથી મોટા ઓઈલ ખરીદારને કહે છે કે જો તમે રશિયા પાસેથી ઓઈલ ખરીદશો તો અમે તમારા પર 50 ટકા ટેક્સ લગાવીશું તો આ એક મોટો ઝટકો છે.
ભારત પર કુલ 50 ટકા ટેક્સ
ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ ઉપરાંત રશિયા પાસેથી ઓઈલ આયાતને લઈને દંડ તરીકે 25 ટકા વધારાનો ટેરિફ લગાવ્યો છે. જેના પરિણામસ્વરૂપે કુલ 50 ટકા ટેરિફ થયો છે. ટ્રમ્પ શુક્રવારે અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને મળશે. જ્યાં તેમને સાર્થક વાતચીત થાય તેવી આશા છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે અમે તેમના દેશ કે કોઈ ત્રીજા પક્ષના ત્યાં જઈએ તેના કરતા રશિયાના રાષ્ટ્રપતિ અમારા દેશ આવી રહ્યા છે તે ખુબ સન્માનજનક છે. અમારી વાતચીત ઉપયોગી નીવડશે. તેમણે કહ્યું કે, આ બેઠક બાદ યુરોપીયન નેતાઓ સાથે પણ તેઓ વાત કરશે.