)
Donald Trump Speech in UNGA 2025: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન શરૂ થઈ ગયું છે. પોતાના સંબોધન દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે, તેમણે છેલ્લા સાત મહિનામાં સાત યુદ્ધો રોકાવ્યા છે. તેમણે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની પણ ક્રેડિટ લીધી છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રને બદલે તેમણે યુદ્ધો રોકવાની જવાબદારી લેવી પડી. અમેરિકાના રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર પોતાની ક્ષમતાના હિસાબે કામ નથી કરી રહ્યું.
"મારા પહેલા કાર્યકાળમાં દુનિયામાં શાંતિ હતી"
ટ્રમ્પે કહ્યું કે,"છેલ્લી વખત જ્યારે હું આ ભવ્ય હોલમાં ઊભો રહ્યો હતો, ત્યારથી છ વર્ષ થઈ ગયા છે. ત્યારે દુનિયામાં સમૃદ્ધ અને શાંતિ હતી, જેમ કે, મારા પહેલા કાર્યકાળ (2017 થી 2021) દરમિયાન હતી."
તેમણે વધુમાં કહ્યું કે, "તે દિવસથી યુદ્ધની ગોળીઓએ બે મહાદ્વિપોની શાંતિને ચકનાચૂર કરી દીધી છે, જ્યાં મેં સ્થિરતા સ્થાપિત કરી હતી. શાંતિ અને સુલેહ-શાંતિનો સમયગાળો હવે આપણા સમયના સૌથી મોટા સંકટોમાંથી એક બની ગયો છે. અને અહીં અમેરિકામાં પાછલી સરકાર હેઠળ ચાર વર્ષની નબળાઈ, અરાજકતા અને ઉગ્રવાદે દેશને એક પછી એક આફતોમાં ધકેલી દીધો છે."
ટ્રમ્પે કહ્યું, "મેં સાત મહિનામાં સાત યુદ્ધોનો ખતમ કર્યા"
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 80મા સત્રમાં ભાષણ આપતા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, તેમના કાર્યકાળ દરમિયાન તેમણે માત્ર સાત મહિનામાં સાત મોટા યુદ્ધોનો ખતમ કરાવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, આ યુદ્ધો કંબોડિયા-થાઇલેન્ડ, કોસોવો-સર્બિયા, કોંગો-રવાન્ડા, પાકિસ્તાન-ભારત, ઇઝરાયલ-ઈરાન, ઇજિપ્ત-ઇથોપિયા અને આર્મેનિયા-અઝરબૈજાન વચ્ચે હતા. તેમણે કહ્યું કે, દુનિયાના અન્ય કોઈ પણ નેતાએ આવી સિદ્ધિ હાંસલ કરી નથી, અને તેમને તેનો ગર્વ છે.
યુક્રેન યુદ્ધને ફંડ કરી રહ્યો છે ભારત-ચીન
રશિયા-યુક્રેન યુદ્ધ પર બોલતા ટ્રમ્પે કહ્યું કે, નાટો દેશો તેમની સામેના યુદ્ધને ભંડોળ આપી રહ્યા છે. તેમણે ભારત અને ચીન પર યુક્રેન યુદ્ધમાં રશિયાને ફંડ આપવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, ચીન અને ભારત રશિયન તેલ ખરીદીને યુક્રેનમાં યુદ્ધના મુખ્ય નાણાકીય સહાયક છે.
ટ્રમ્પે એમ પણ કહ્યું કે, તેઓ બાયોલોજિકલ હથિયાર સંમેલનને લાગુ કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસોનું નેતૃત્વ કરશે અને તેમણે આ પ્રકારના હથિયારો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. ટ્રમ્પે સાથે જ કહ્યું કે, ભારત અને ચીન બન્ને યુક્રેન યુદ્ધમાં મુખ્ય રોકાણકારો છે.
રશિયન તેલને લઈ શું બોલ્યા ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, "નાટો દેશોએ પણ રશિયન ઊર્જા અને રશિયન ઊર્જા ઉત્પાદનો પર વધુ પ્રતિબંધો લગાવ્યા નથી, તે શરમજનક છે. તેઓ પોતાની સામે યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યા છે." રશિયા દ્વારા યુક્રેન પર સંપૂર્ણ પાયે આક્રમણ શરૂ કર્યાના ત્રણ વર્ષથી વધુ સમય બાદ અમેરિકા અને યુરોપિયન યુનિયન હજુ પણ અબજો યુરો મૂલ્યની રશિયન ઊર્જા અને માલની આયાત કરે છે, જેમાં લિક્વિફાઇડ નેચરલ ગેસથી લઈને સમૃદ્ધ યુરેનિયમનો સમાવેશ થાય છે.
ટ્રમ્પે કહ્યું કે, "તેઓ રશિયા સામે લડતી વખતે રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદી રહ્યા છે. આ તેમના માટે શરમજનક છે." ટ્રમ્પે કહ્યું કે, જો યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ કરાર ન થાય, તો અમેરિકા રશિયા પર ઘણો ટેરિફ લગાડવા માટે તૈયાર છે. ટ્રમ્પે કહ્યું કે, "પરંતુ આ ટેરિફ અસરકારક બને તે માટે, તમે બધા યુરોપિયન દેશોએ, જેઓ હાલ અહીંયા એકઠા થયા છે. આપણે સાથે મળીને આ જ પગલું અપનાવું પડશે."