)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ અમેરિકાને મહાન બનાવવાનું કેમ્પેઈન ચલાવી રહ્યા છે. આ માટે તેમણે બીજા દેશો પર ભારે ભરખમ ટેરિફ લગાવ્યો છે. તેઓ દાવો કરી રહ્યા છે કે ટેરિફથી સરકારી ખજાનામાં ભારે વધારો થશે અને લોકોને ફાયદો થશે. જો કે યેલ યુનિવર્સિટીના રિપોર્ટમાં કહેવાયું છે કે ટ્રમ્પના ભારે ટેરિફના કારણે અમેરિકામાં જ 9 લાખ જેટલા લોકો ગરીબ થઈ શકે છે. યેલ સ્થિત ધ બજેટ લેબે રિપોર્ટમાં જણાવ્યું છે કે ટેરિફમાં કરાયેલા વધારાના કારણે 2026 સુધી ગરીબીમાં જીવી રહેલા અમેરિકીઓની સંખ્યામાં 8,75,000 સુધીનો વધારો થઈ શકે છે.
ગ્લોબલ રેટિંગ એજન્સી ફીચે હાલમાં જ ભારતના જીડીપી ગ્રોથ અનુમાનને 6.5%થી વધારીને 6.9% કર્યો છે. તેણે અમેરિકી ટેરિફની ભારતની અર્થવ્યવસ્થા પર મામૂલી અસરની વાત કરી છે. જે હેઠળ અમેરિકાને થનારી નિકાસનો ભારતની જીડીપીમાં ફક્ત બે ટકા ફાળો છે. જો કે ટેરિફને લઈને અનિશ્ચિતતાઓની રોકાણ પર નકારાત્મક અસર પડશે.
બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે હાલમાં કહ્યું કે અમરિકા દ્વારા લગાવવામાં આવેલા ટેરિફની ભારત પર અસર પડી છે અને લોકોની નોકરીઓ જઈ રહી છે. તેમણે એવો પણ દાવો કર્યો કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અસ્થિર સ્વભાવનો પરિચય આપી રહ્યા છે અને તેઓ કૂટનીતિક આચાર વ્યવહારના પરંપરાગત માપદંડોનું પણ સન્માન કરતા નથી. અત્રે જણાવવાનું કે અમેરિકાએ ભારતથી આયાત થતી વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લગવ્યો છે. જેમાં રશિયાથી ઓઈલની ખરીદીને મુદ્દો બનાવીને વધારાનો 25 ટકા ટેરિફ સામેલ છે,.
થરૂરે કહ્યું કે ટેરિફના પ્રભાવને ઘટાડવા માટે ભારતે નિકાસ બજારોમાં વિવિધતા લાવવાની જરૂર છે. તેમનું કહેવું છે કે સુરતમાં રત્ન અને આભૂષણ વ્યવસાય, સી ફૂડ, અને વિનિર્માણ ક્ષેત્રોમાં 1.35 લાખ લોકોની નોકરીઓ ગઈ છે.
ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના ટોચના ઉદ્યોગ સંસ્થા ક્રેડાઈ દ્વારા આયોજિત એક સંમેલનમાં ભારત અમેરિકા સંબંધો અને ટેરિફ સંબંધિત એક પ્રશ્નનો ઉત્તર આપતા થરૂરે કહ્યું કે ટ્રમ્પ ખુબ જ અસ્થિર મગજના વ્યક્તિ છે અને અમેરિકી શાસન વ્યવસ્થા રાષ્ટ્રપતિને વધુ પડતો પાવર આપે છે. લોકસભા સભ્યએ કહ્યું કે ટ્રમ્પ અગાઉ 44 કે 45 રાષ્ટ્રપતિ રહ્યા છે પરંતુ વ્હાઈટ હાઉસ તરફથી તેમનો જેવો વ્યવહાર છે તેવો આ પ્રકારનો વ્યવહાર કોઈએ પણ જોયો નથી.