)
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે રશિયા અને યુક્રેનની વાતોથી એટલા તે કંટાળી ગયા છે કે વાત ન પૂછો. ટ્રમ્પે ગુરુવારે રશિયા-યુક્રેન સંઘર્ષ પર મોટી ચેતવણી ઉચ્ચારી. તેમણે કહ્યું કે યુદ્ધનો આ વર્તમાન રસ્તો દુનિયાને એક ભયાનક વૈશ્વિક અથડામણ તરફ ધકેલી શકે છે. વ્હાઈટ હાઉસમાં AI (આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ) નિયમન પર એક કાર્યકારી આદેશ પર સહી કર્યા બાદ તેમણે ચેતવણી આપતા કહ્યું કે, આવી ચીજો ત્રીજા વિશ્વયુય્ધમાં સમાપ્ત થઈ જાય છે. તેમણે આ યુદ્ધને તરત રોકવાની અપીલ કરી અને જણાવ્યું કે ગત મહિને જ લગભગ 25,000 લોકોથી વધુ મોટા ભાગના સૈનિકો માર્યા ગયા હતા.
અમેરિકી રાષ્ટ્રપતિ બગડ્યા
ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, હું ઈચ્છું છું કે આ હત્યાકાંડ હવે અટકે, હું તેને બંધ થતો જોવાનું પસંદ કરીશ. તેમણે આ લોહીયાળ જંગ રોકવા માટે ખુબ મહેનત કરી રહેલા અમેરિકાના નેતૃત્વવાળી વાતચીતની પ્રગતિમાં આવેલી કમી પર નિરાશ વ્યક્ત કરી. ટ્રમ્પની ક્રિસમસ સુધી પીસ ડીલની નવી સમય મર્યાદાએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી અને યુરોપીયન સંઘ (ઈયુ)ના સહયોગીઓને ચિંતિત કર્યા છે. શાંતિ વાર્તામાં અડચણથી અમેરિકાની હતાશા વધી છે.
કંટાળ્યા છે ટ્રમ્પ!
વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કેરૌલિન લેવિટે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ બંને દેશોથી ખુબ નારાજ છે. તેમણે કહ્યું કે તેઓ બસ બેઠક પર બેઠકથી કંટાળ્યા છે. હવે તેઓ ફક્ત કાર્યવાહી ઈચ્છે છે. અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અત્યારે પણ રશિયા અને યુક્રેની અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. પરંતુ એ સ્પષ્ટ નથી કે આ વીકેન્ડમાં થનારી વાતચીતમાં અમેરિકાના કોઈ પ્રતિનિધિ સામેલ થશે કે નહીં. બુધવારે ટ્રમ્પની યુરોપીયન નેતાઓ સાથેની વાતચીત અંગે લેવિટે પુષ્ટિ કરી જ્યારે વિટકોફની ટીમ બંને પક્ષો સાથે હજુ ચર્ચામાં છે.
વિવાદ યથાવત
યુક્રેને સમાધાનની શરતોની વિગતો આપતા એક 20 પોઈન્ટવાળી યોજના રજૂ કરી છે જેમાં સુરક્ષા ગેરંટી પર અલગ દસ્તાવેજ સામેલ છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું કે યુક્રેન અમેરિકાના સામેલ થવા અંગે આભારી છે પરંતુ ચેતવણી આપી કે પ્રાદેશિક મુદ્દાઓ જેમ કે ડોનેટ્સ્ક ક્ષેત્ર પર નિયંત્રણ અને રશિયાના કબજાવાળા જાપોરિજિયા ન્યૂક્લિયર પ્લાન્ટ હજુ પણ ઉકેલાવાથી ઘણા દૂર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે કોઈ પણ છૂટ માટે રાષ્ટ્રીય જનમત સંગ્રહથી મંજૂરી લેવી પડશે.
શું છે યુક્રેની અધિકારીઓને જોખમ?
યુક્રેની અધિકારીઓના જણાવ્યાં મુજ અમેરિકાએ ડોનબાસના કેટલાક ભાગોમાં ફ્રી ઈકોનોમી ઝોનનું સૂચન આપ્યું છે. જ્યારે રશિયા તેને ડીમિટલિટરાઈઝ્ડ ઝોન તરીકે જુએ છે. યુક્રેન આવી કોઈ પણ વ્યવસ્થાનો વિરોધ કરે છે જે રશિયાના પ્રભાવને વધારે. ઝેલેન્સ્કીએ કહ્યું કે સમજૂતિઓમાં યુક્રેની સેનાનું ડોનેટ્સ્કમાથી પીછેહટ કરવુ પણ સામેલ છે. પરંતુ શરત એ છે કે રશિયન સેના અંદર ન આવે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ વાપસીના બદલામાં રશિયાએ પણ એટલી જ સેના હટાવવી પડશે.
ટ્રમ્પનું ઝડપથી સમાધાન કરવાનું દબાણ યુક્રેનને નુકસાન પહોંચાડી શકે છે એવી આશંકા વચ્ચે યુરોપીયન નેતાઓ વાર્તાને રૂપરેખા આપવાની કોશિશમાં છે. જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જ, બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર, અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોને વીકન્ડમાં અમેરિકા સાથેના શાંતિ પ્રસ્તાવોને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે ચેતવણી આપી કે વાર્તા હવે એક મહત્વપૂર્ણ વળાંક પર છે.
શું કહે છે રશિયા
બીજી બાજુ રશિયા ટ્રમ્પની શાંતિ કોશિશો પ્રત્યે સહયોગ કરી રહ્યું છે તે દેખાડવાની કોશિશ કરે છે અને અમેરિકાને નવો સામૂહિક સુરક્ષાનો પ્રસ્તાવ સોંપી રહ્યું છે. યુદ્ધક્ષેત્રમાં રાષ્ટ્રપતિ પુતિને દાવો કર્યો કે રશિયન સેનાએ રણનીતિક પહેલને સંપૂર્ણ રીતે પોતના કબજામાં રાખી છે અને તેમણે સિવેર્સ્ક શહેર પર કબજો કર્યો છે. દાવો યુક્રેને ફગાવી દીધો. યુક્રેને જવાબી કાર્યવાહીમાં લાંબા અંતરના ડ્રોનથી કૈસ્પિયન સાગરમાં એક રશિયન તેલ રિગને નિશાન બનાવી જેના લીધે મોસ્કોના એરપોર્ટ પર અનેક કલાકો સુધી ફ્લાઈટ્સ રોકવી પડી. ટ્રમ્પ પ્રશાસનની શાંતિ કોશિશો સતત ચાલુ છે પરંતુ વિશેષજ્ઞો માને છે કે પ્રાદેશિક વિવાદ અને બંને પક્ષોની જીદ વાર્તાને મુશ્કેલ બનાવી રહી છે. ક્રિસમસ સુધીમાં સમાધાન થશે કે નહીં તે તો આવનારા સમયમાં ક્લિયર થશે.