)
Israel-Iran conflict: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનના ક્રિપ્ટો એક્સચેન્જ 'નોબિટેક્સ'માંથી લગભગ 800 કરોડ રૂપિયા ગાયબ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાનના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાંથી 90 મિલિયન ડોલરની ચોરી પાછળ એક ઇઝરાયલી હેકર જૂથનું નામ સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈના સંબંધીઓ પણ આ એક્સચેન્જ સાથે સંકળાયેલા છે.
બ્લોકચેન એનાલિટિક્સ ફર્મના જણાવ્યા અનુસાર, 'નોબિટેક્સ' પર થયેલા આ સાયબર હુમલાની જવાબદારી 'ગોંજેશકે દારાન્ડે' નામના હેકર જૂથે સ્વીકારી છે. આ નામ ફારસી ભાષામાં 'Predatory Sparrow' તરીકે ઓળખાય છે. આ હુમલા પછી હેકર જૂથે 'નોબિટેક્સ'નો સંપૂર્ણ સોર્સ કોડ પણ જાહેર કર્યો અને ટેલિગ્રામ પર લખ્યું, "હવે આ પ્લેટફોર્મમાં રાખવામાં આવેલી બધી એસેટ્સ સંપૂર્ણપણે જાહેર થઈ ગઈ છે."
ઇઝરાયલી હેકર્સે કેમ કરી ચોરી?
આ હુમલા અંગે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનો હેતુ ફક્ત પૈસા ચોરી કરવાનો નહોતો. હકીકતમાં, જે ક્રિપ્ટો વોલેટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે પાછળથી 'બળી' ગયા હતા, એટલે કે પૈસા એવી રીતે મોકલવામાં આવ્યા હતા કે તે ફરીથી મેળવી શકાયા નહીં. એવું માનવામાં આવે છે કે આ બધું રાજકીય મેસેજ આપવા માટે કરવામાં આવ્યું હતું. આ ટ્રાન્ઝેક્શન એડ્રેસ પર ઈરાનના 'રિવોલ્યુશનરી ગાર્ડ' વિશે ટીકાત્મક મેસેજો પણ જોવા મળ્યા હતા.
નોબિટેક્સ સામે ગંભીર આરોપ
'ગોન્જેશકે દારાન્ડે' નામના આ હેકર જૂથે નોબિટેક્સ પર ઈરાની સરકારને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોથી બચવામાં મદદ કરવાનો આરોપ મૂક્યો હતો. ઉપરાંત આ ક્રિપ્ટો એક્સચેન્જ પર આતંકવાદીઓને ભંડોળ ટ્રાન્સફર કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
બ્રિટેન સ્થિત બ્લોકચેન રિસર્ચ કંપની 'એલિપ્ટિક' એ દાવો કર્યો છે કે નોબિટેક્સની લેણદેણ ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈના સંબંધીઓ અને 'રિવોલ્યુશનરી ગાર્ડ' સાથે સંકળાયેલા લોકો સાથે જોડાયેલા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ એક્સચેન્જ દ્વારા યમનના હુતી બળવાખોરો અને હમાસ જેવા સંગઠનોને પણ નાણાં મોકલવામાં આવ્યા હતા.
પહેલા પણ કર્યા છે મોટા સાયબર હુમલા
'ગોંજેશકે દારાન્ડે' ઈરાન પર અનેક હાઈ-પ્રોફાઇલ સાયબર હુમલાઓની જવાબદારી લઈ ચૂક્યું છે. 2021માં આ જૂથે ઈરાનના ગેસ સ્ટેશન નેટવર્કને સ્થગિત કરી દીધું. તે જ સમયે, 2022 માં સ્ટીલ પ્લાન્ટ પર થયેલા સાયબર હુમલામાં પણ આ જૂથનું નામ સામે આવ્યું હતું, જેમાં મોટી આગ લાગી હતી. તાજેતરમાં આ અઠવાડિયે આ જૂથે દાવો કર્યો હતો કે તેમણે ઈરાનની સરકારી બેંક 'બેંક સેપા'નો ડેટા પણ નાશ કર્યો છે.
ઇઝરાયલી સરકારનો ઇનકાર
જોકે ઇઝરાયલી મીડિયા આ હેકર ગ્રુપને ઇઝરાયલ સાથે જોડી રહ્યું છે, પરંતુ ઇઝરાયલી સરકારે ક્યારેય તેની સાથેના સંબંધોની સત્તાવાર પુષ્ટિ કરી નથી. જ્યારે, યુએસ સેનેટર એલિઝાબેથ વોરેન અને એંગસ કિંગે પહેલેથી જ ચિંતા વ્યક્ત કરી છે કે ઇરાન આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી બચવા માટે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરી રહ્યું છે.