પાકિસ્તાનનું એ ધામ...જ્યાંથી શરૂ થઈ હતી હોળીના તહેવારની શરૂઆત, ખાસ જાણો તેના વિશે

કાલે હોળીનો તહેવાર ઉજવાયો અને આજે રંગોનો તહેવાર ધૂળેટી છે. પરંતુ શું તમને ખબર છે કે હોળી-ધૂળેટીના તહેવારની શરૂઆત ક્યાંથી થઈ? ખાસ જાણો. 

પાકિસ્તાનનું એ ધામ...જ્યાંથી શરૂ થઈ હતી હોળીના તહેવારની શરૂઆત, ખાસ જાણો તેના વિશે

હોળીના તહેવારને લઈને લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળે છે. કાલે હોળી હતી અને આજે રંગોનો તહેવાર ધૂળેટી છે. દેશભરમાં હોળી-ધૂળેટીની ધામધૂમથી ઉજવણી થતી હોય છે. પરંતુ શું તમને ખબર છે કે હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે. કોણે આ હોળીના  તહેવારની શરૂઆત કરી? તમને એ જાણીને નવાઈ લાગશે કે જ્યાંથી હોળીના તહેવારની શરૂઆત થઈ તે જગ્યા આજે પાકિસ્તાનમાં છે. 

દેશના ભલે ભાગલા પડી ગયા હોય પરંતુ સનાતન ધર્મના પુરાવા કેવી રીતે મીટાવી શકાય. પાકિસ્તાનના મુલ્તાનમાં પ્રહ્લાદપુરી મંદિર છે. એવી માન્યતા છે કે પહેલીવાર હોળી અહીં ઉજવવામાં આવી હતી. હોળી અંગે ભક્ત પ્રહ્લાદ હોળિકા અને ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની કહાની તો તમે જાણતા હશો. પરંતુ આ કથા પાછળની હકીકત તમને કદાચ નહીં જાણતા હોવ કે ભક્ત પ્રહ્લાદ, હિરણ્યકશ્યપ અને હોળિકાની આ ઘટના પાકિસ્તાનમાં ઘટી હતી. 

ભક્ત પ્રહ્લાદે જે જગ્યાએ હોળિકા દહન થયું હતું તે જગ્યા પર ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારનું મંદિર બનાવડાવ્યું હતું. પાકિસ્તાનના મુલ્તાનમાં આવેલું આ મંદિર એ એજ મંદિર છે. જેને પ્રહ્લાદપુરી મંદિરના નામથી ઓળખવામાં આવે છે અને લોકકથાઓ મુજબ પાકિસ્તાનના મુલ્તાનમાં સ્થિત આ એ જગ્યા છે જ્યાંથી હોળીનો તહેવાર શરૂ થયો હતો. 

— Zee News (@ZeeNews) March 13, 2025

ભાગલા પહેલા પ્રહ્લાદપુરી મંદિરમાં 9 દિવસ સુધી હોળીના તહેવારની ઉજવણી થતી હતી. પરંતુ 1947 બાદથી આ મંદિરની હાલત જર્જરિત થતી ગઈ અને 1992માં આ મંદિરને ઉન્માદી ભીડે ધ્વસ્ત કરી દીધુ હતું. ત્યારબાદથી અહીં કોઈ સમારકામ થયું નથી. આજે આ મંદિરની હાલત સાવ જર્જરિત છે. આ મંદિરથી રંગોના તહેવાર હોળીની શરૂઆત થઈ હતી. આજે આ પવિત્ર ધામ ખસ્તા હાલતમાં છે પરંતુ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓએ આ મંદિર અંગે હવે અવાજ ઉઠાવ્યો છે. 

પાકિસ્તાન હિન્દુ અધિકાર સંગઠને કહ્યું કે 14થી 16 માર્ચ સુધી હોળી પર સુરક્ષા મળે. હિન્દુઓના તહેવાર હોળીના શાંતિપૂર્ણ આયોજન માટે મંજૂરી આપવામાં આવે. બંધારણમાં હિન્દુઓનો બરાબરીનો હક છે તો તેને ઉપયોગ કરવા દેવામાં આવે. પાકિસ્તાન હિન્દુ અધિકાર સંગઠને શહબાજ સરકાર પાસે મુલ્તાનના પ્રાચીન પ્રહ્લાદપુરી મંદિરમાં હોળી ઉજવવાની માંગણી કરી છે. સંગઠનનું કહેવું છે કે પ્રહ્લાદપુરી મંદિરમાં હોળી ઉજવણી દરમિયાન સુરક્ષા અને સુવિધાઓ સુનિશ્ચિત કરવી જોઈએ. હવે જોવાનું એ રહેશે કે શું પાકિસ્તાનમાં રહેલા હિન્દુઓની આ ઈચ્છા પૂરી થાય છે કે નહીં. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news