)
Massive fire in Hong Kong: હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં આવેલા વાંગ ફૂક કોર્ટ રહેણાંક કોમ્પલેક્સમાં છેલ્લા 3 દિવસથી ભભૂકી રહેલી ભીષણ આગે શહેરને આઘાતમાં નાખી દીધુ છે. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગોવાળા આ જૂના રહેણાંક વિસ્તારમાં ભોગ બનેલામાં મોટાભાગે વૃદ્ધો અને પરિવાર હતા. આગે સાત ટાવરોને સંપૂર્ણ રીતે પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. ગુરુવારે સવાર સુધીમાં આ આગ પર 90 ટકા સુધી કાબૂ મેળવી લેવાયો હતો પરંતુ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.
ત્રીજા દિવસનું લેટેસ્ટ અપડેટ
ફાયર સર્વિસીઝ વિભાગના જણાવ્યાં મુજબ સવારે 9 વાગ્યા સુધીમાં સર્ચ ઓપરેશન પૂરું થાય તેવી આશા છે. અત્યાર સુધીમાં 94 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 76 લોકો ઘાયલ છે. જેમાં 15ની હાલત ખુબ ગંભીર છે. 300થી વધુ લોકો હજુ પણ ગૂમ છે. હોંગકોંગના ઈતિહાસમાં છેલ્લા 80 વર્ષમાં આ સૌથી ઘાતક આગની ઘટના છે. 1948 બાદ એક જ દુર્ઘટનામાં આટલા વધુ લોકોના જીવ ગયા નથી. રેસ્ક્યૂ અભિયાનમાં લાગેલી ટીમોએ અત્યાર સુધીમાં 9 બિલાડીઓ અને એક કૂતરાને પણ સુરક્ષિત બહાર કાઢ્યા છે. ફાયરકર્મીઓ પોતાના જીવ જોખમમાં નાખીને ઉપરના ફ્લોર્સ સુધી પહોંચ્યા. પરંતુ આ દરમિયાન એક ફાયર ફાઈટરે જીવ ગુમાવ્યો.
આગ લાગવાના શું કારણ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રિનોવેશન કાર્ય દરમિયાન મજૂરો દ્વારા વાંસના સ્કૈફોલ્ટિંડ પર સિગરેટ પીવું એ આગનું મુખ્ય કારણ હોઈ શકે છે. પરિસરમાં ઉપયોગમાં લેવાયેલી જ્વલનશીલ ફોમ સીલેન્ટ, પ્લાસ્ટિક નેટિંગ અને વાંસના માળખાએ આગને ભયાન સ્વરૂપ આપ્યું. ભારે પવને તેને એક ટાવરથી સાત ટાવર સુધી ફેલાવી દીધી. 330 મિલિયન હોંગકોંગ ડોલરનો રિનોવેશન કોન્ટ્રાક્ટ પ્રેસ્ટીજ કન્સ્ટ્રક્શન કંપનીને મળ્યો હતો. જેનો સુરક્ષા ઉલ્લંખનોનો જૂનો રેકોર્ડ રહ્યો છે. રહીશોનો આરોપ છે કે તેઓ મહિનાઓથી મજૂરોની બેદરકારી વિશે ફરિયાદ કરતા હતા. પોલીસે કંપનીના બે ડાયરેક્ટર અને એક કન્સલ્ટન્ટની ગેરઈરાદાપૂર્વક હત્યાની શંકાને આધારે ધરપકડ કરી છે.
જૂની ઈમારતો, નબળી સુરક્ષા વ્યવસ્થા
1980ના દાયકામાં બનેલી આ ઈમારતોમાં ન તો સ્પ્રિંકલર સિસ્ટમ હતી કે ન સ્મોક ડિટેક્ટર કે ન તો ફાયર રેસિસ્ટેન્ટ ગ્લાસ બારીઓ. હોંગકોંગમાં જગ્યાની કમીના કારણે ઈમારતો એક બીજાની નજીક હોય છે જેના કારણે આગ ઝડપથી ફેલાઈ. 32 માળના ટાવરોમાં ફાયરની સિડીઓ ફક્ત 18મા માળ સુધી જ પહોંચી શકી. 1200થી વધુ ફાયરકર્મીઓ અને 304 વાહનોએ દિવસ રાત સંઘર્ષ કર્યો. પરંતુ ભીષણ ગરમીના કારણે હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ વર્ક શક્ય બની શક્યું નહીં.
સરકારની જાહેરાત
ચીફ એક્ઝીક્યુટિવ જ્હોન લીએ 300 મિલિયન હોંગકોંગ ડોલર (લગભગ 38 મિલિયન અમેરિકી ડોલર)ની વિશેષ મદદની જાહેરાત કરી છે. સ્વતંત્ર ભ્રષ્ટાચાર નિરોધક બ્યૂરો (ICAC)એ કોન્ટ્રાક્ટ, નિગરાણી અને સંભવિત ભ્રષ્ટાચારની તપાસ માટે વિશેષ ટાસ્ક ફોર્સ બનાવી છે. શહેરની તમામ રિનોવેશન સાઈટ્સ પર તત્કાળ સુરક્ષા નિરીક્ષણના આદેશ અપાયા છે. HSBC સહિત અનેક બેંક પીડિતોને નાણાકીય મદદ આપી રહ્યા છે.
900 લોકો બેઘર થયા
સ્વયંસેવી સંગઠન ડોનેશન સેન્ટર ચલાવી રહ્યા છે જ્યાં ભોજન, કપડાં અને દવાઓ અપાઈ રહ્યા છે. લગભગ 900 લોકો બેઘર થયેલા છે જેઓ અસ્થાયી આશ્રયગૃહોમાં છે. જ્યાં તેમના પાલતુ જાનવરોને પણ જગ્યા અપાઈ છે. ચીફ એક્ઝીક્યુટિવ જ્હોન લીએ કહ્યું કે અમે બધા એક છીએ, અમે પીડિત પરિવારોની પડખે છીએ. આ આગ માત્ર એક ઘટના નથી પરંતુ જૂની ઈમારતોની સુરક્ષા વ્યવસ્થા અને કોન્ટ્રાક્ટ પ્રક્રિયામાં ઊંડી ખામીઓનું દર્દનાક ઉદાહરણ છે અને ભવિષ્યમાં આવી ત્રાસદી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.